Thursday, November 6, 2008

ભજન કેવી રીતે રચાયું ?



સ્ક્રેપબુકમાં એક મિત્રએ એક ગીત મોકલેલું -
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એ વિભાવના નિત્‍ય રહે...


આ પ્રાર્થનાગીતના શબ્‍દો અને રાગ બંને સરસ છે. આ કોને ના ગમે?.

એક ભજનની રચનાનો સંદર્ભ આ મધુર પ્રાર્થના ગીત સાથે છે. કવિતા-ભજન કેવી રીતે રચાઇ જતા હોય છે; તેની આ વાત છે.

એક વખત આ રાગ (મૈત્રીભાવનું પવિત્ર ઝરણું...) માં હનુમાનચાલીસા ગાઇને ઢાળવાનો પ્રયત્‍ન કરી રહ્યો હતો. પણ બહુ જામતું ન્હોતું. એ રાગ માંમાંડ આવે 'ને પાછો રાગ બદલાઇ જાય. એવું વારંવાર થયા કર્યુ. મને એક પ્રકારની મૂંઝવણ થયા કરતી હતી- મારી નિષ્‍ફળતા બદલ. પણ હું પાછો મારો પ્રયત્‍ન છોડી દેવા પણ તૈયાર ન્હોતો. જે રાગ બદલાઇ જતો હતો તે નીચેના ગીતનો રાગ હતો.

નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના..


પ્રાર્થનાપોથી નામની ઓડીયો કેસેટમાં- (૧) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે..., અને (ર) નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના..
આ ગીતો છે.
મારા મનમાં પડેલી સૂક્ષ્‍મ યાદો; આ બંને ગીતોના રાગની; આ ભેળસેળ કરી દેતી હતી.

સાથે સાથે, બીજુ પણ મારા મનમાં અગાઉના ઘણાં વખતથી હતું-

ઘણાં ભજનો ફિલ્મી ગીતોના રાગ પર આધારીત હોય છે. તો ભજન બનવનારા શા માટે પ્રાર્થના પ્રકારના રાગ ભૈરવી કે કેદાર જેવા રાગ પસંદ કરીને ભજનો નહીં રચતા હોય?

મારા ધર્મપત્નિ ભજનિક-આખ્‍યાનકાર છે. એટલે આ ક્ષેત્ર વિષે મને થોડી માહિતી છે તે મુજબ ભજન લખનારાઓ પૈકી કેટલાક ખરેખર કવિ હૃદય હોતા નથી. તે તો માત્ર આડા અવળા કોઇકના શબ્‍દોને ફિલ્મી ગીતમાં ઢાળી દેવાની જ પ્રક્રીયા કરતા હોય છે. અને તેથી જ તેવા ભજનોના એક સ્‍ટાન્‍ઝા અને ‍બીજા સ્‍ટાન્‍ઝા વચ્‍ચે કોઇ અનુસંધાન હોતુ નથી. ભજનના શબ્‍દોમાં ભાવ પણ ના જણાય. મારી આવી લાગણી પણ ઉંડે ઉંડે રહ્યા કરતી.
પરંતુ, એવા ઢંગધડા વગરના ભજનો પણ આખરે તો, ઇશ્વરના નામમાં હોય છે, તેથી તેની ટીકા ન કરવી; એવી પણ માન્‍યતા હું ધરાવતો આવ્‍યો છુ. એ પણ હકીકત છે કે, સામાન્‍ય જન આવી કોઇ ગંભીર વિચારસરણી વગર જ આવા ભજનો પ્રેમથી ગાતા હોય છે. મોટો સમૂહને અકારણ નારાજ ના કરવો અને ભક્તિ પ્રત્‍યેની તેમની લાગણીને સમજવી. ઓછી બુધ્ધિ ધરાવતા આગળ બુધ્ધિગમ્ય વાતો કરવાથી નાહકના પ્રશ્નો ઉઠે. તેવો સ્વાનુભવ કોને ના થયો હોય ?

મૂળ વાત.

આમ, આવી કંઇક મનોભૂમિકાએ ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..’ ના રાગમાં હનુમાન ચાલીસા તો ઢળતી ન્હોતી. અને ‘નૈયા ઝુકાવી મેં તો..’ નો રાગ મનમાં એવો સવાર થઇ ગયો હતો કે જેથી ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..’ ના રાગમાં હનુમાન ચાલીસા ગાવામાં ભૂલો પડવા લાગી અને એ રાગ જ સાવ ભૂલાવા માંડ્યો.

ભજનો પ્રાર્થનાના સરસ રાગમાં હોવા જોઇએ -

એવા કરેલા વિચારો કે જે મનના કોઇક અજ્ઞાત ખૂણામાં પડેલા હશે - તેવા વિચારોએ અણુ બોમ્‍બ જેવું સ્‍વરૂપ લઇ લીધુ હશે અને એકાએક તેવા વિચારો પ્રવૃત્ત થઇ ગયા હશે.

અને એક પ્રાર્થના પ્રકારનું ભજન તે જ વખતે ફટાફટ રચાઇ ગયું. તે ભજન રચાયું તેમાં મારે ખાસ કંઇ એડીટીંગ કરવું પડ્યું નથી. અલબત્ત, એમાં
'મારા લાલા'નો પ્રેમ છે. મને લાગે છે કે મનની આવી ભેળસેળમાં 'લાલા' એ મનનો કબજો લઇ લીધો હશે. રચાયેલું તે ભજનઃ-




કે'ડ રે કસી મેં તો લાલા તારે કાજે
(રાગઃ નૈયા ઝુકાવી મે તો જોજે ડુબી જાય ના...)


કે'ડ રે કસી મેં તો લાલા તારે કાજે,
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા (ર)

હૈયામાં ફૂલોના ઝૂલો મેં બનાવ્‍યો,
એ રે ઝૂલામાં તને હેતે રે ઝૂલાવું.
ઝૂલામાં બેસતા વાર જોજે થાય ના,
ભક્તિના મા'રા એ ફૂલો કરમાય ના.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા...

ભક્તિની જ્યોત મા'રા હૃદયે પ્રગટાવજે,
એના પ્રકાશે હું જગતને જોઉં,
રાગ 'ને દ્વેષ તો પ્રેમમાં પલટાયે,
દુઃખોના દરીયે હું કદીયે ના ડૂબું.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા...

હૃદયસિંહાસન પર લાલાની સવારી,
હૈયે છે હેત ને મનમાં છે આનંદ,
મનમાં છે આનંદ ને હૈયે છે હેત,
મીના-પ્રવીણ તને હેતે રે ઝુલાવે,
ગોપી મંડળ તને હેતે રે ઝુલાવે
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા...

ઝુલામાં ઝુલે છે નંદનો દુલારો,
લાગે છે કેવો એ રૂડો ને રૂપાળો.
જશોદાનો જાયો કેવો સૌનો એ પ્યારો,
ગોપીઓનો પ્યારો એ તો ભક્તોનો વ્‍હાલો.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા,
કે'ડ રે કસી મેં તો લાલા તારે કાજે...

હનુમાન ચાલીસાને પાછળથી મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ... એ રાગમાં ઢાળીને ગાવાનું શીખી લીધું.

હનુમાનચાલીસા તમે જે રાગમાં ગાતા હો, તેના બદલે બીજા રાગમાં ઢાળીને ગાવાનો પ્રયોગ કરી જોજો.

આપણું સંગીત બદલીને બીજા રાગમાં ઢળી જવાની રીત એટલે જ જીવન, ખરૂને ?

હું તો, પહેલાં બીજા સંગીતમાં ના જ ઢળી શક્યો.

અલબત્ત મેં એવો પ્રયત્‍ન ના છોડ્યો. મને લાગે છે કે, તેમાં મારી નિષ્‍ઠા હતી.

અને, નવું જ ભજન રચાયું.

આ જ ઇશ્વરની લીલા.

પણ આપણું સંગીત છોડીને બીજા સંગીતમાં ઢળવા માટે એક્સરસાઇઝરૂપે આ અજમાવવા જેવું ખરૂ.
-- પી.યુ.ઠક્કર