Wednesday, April 6, 2011

રડતી રહે છે દાડી(રોજ), બાળક વિનાની માડી

સંત શ્રી ‘પુનિત’ મહારાજ ની રચના આ લખાણને અંતે મુકુ છુ. જેના શબ્દો ઉપર શીર્ષકમાં છે તે જ છે...જે નંદ મહોત્સવના કાર્યક્રમમાં સામેલ હોય જ!

નંદ-મહોત્સવ અને જન્મદિવસના ભજનો રહેતા હોય છે.

આપણા સમાજની રચના જ એવી હોય છે કે, સંતાન ના હોવાની બાબતને અભિશાપ ગણવામાં આવે છે. જોકે એવી કંઇક ગેરસમજો પ્રવર્તતી હોય છે. દિકરીના જન્મ વખતે ઘણાં માતા-પિતા બહુ ખુશ નથી થઇ શકતા. એટલે જે તે સમાજને અને નંદ મહોત્સવમાં આવતા પ્રસંગને અનુરૂપ રહીને ભજન શ્રી પુનિત મહારાજે રચ્યું હશે.

સંતો- ભક્તોની વાતોને સમજવા કેળવાયેલું મન જો કે હોવું બહુ જરૂરી છે. સંત શ્રી પુનિત મહારાજે એક ભજન એવું પણ રચ્યુ છે કે, ‘સંતાને નહીં સુખ જગમાં....’ ક્યારે મુકીશ આ ભજન પણ..

હું (ભજન આખ્યાનમાં) કહુ છુ કે, યોગ્ય સંતાનો હોય તો, જીવનનો ભાર રાખ્યા વગર બધુ તેમને સોંપીને ભજન ભક્તિમાં જોડાઇ જવાનું સરળ અને શક્ય બની શકે એ ઇશ્વરની કૃપા છે. અને જો સંતાનો યોગ્ય ના હોય તો એમની માયામાં ના ફસાતા પર થઇને ભજન ભક્તિમાં જોડાઇ જવાનું સરળ અને શક્ય છે. ભગવાન જેમ રાખે તે જ યોગ્ય.  

કોઇની સલાહથી વર્ષો પહેલાં સંતાન ગોપાલના મંત્રો સંતાન એષ્ણામાં સાચા દિલથી અને નિષ્ઠાથી કરેલા. છતાં, લૌકિક સંતાનની જવાબદારીથી ‘લાલા’ એ અમને મુક્ત રાખ્યા છે. આવી કોઇ વાત નીકળે ત્યારે હું કહુ છુઃ સંતાન ગોપાલના મંત્રો કર્યા એટલે અ-લૌકિક સ્વરૂપે ‘લાલો’ અમારે ઘેર આવ્યો છે. અમારો ‘લાલો’ એકલપેટો અને અને એવો જબરો છે કે, બીજા કોઇ લૌકિક લાલાને ‘એણે’ આવવા જ ના દીધો. બસ હું એકલો જ લ્હેર કરૂ!! મમ્મીને લઇને રોજે રોજ એને રખડવાનું !! અને નંદ મહોત્સવ પણ કરવાના!! બસ ‘લાલા’ ને મઝા જ મઝા !! અને મમ્મીને પણ ખરી !

‘પિતાશ્રી’ ના શીર્ષકવાળી એક પીડીએફ ફાઇલ મારા પતિના મિત્રએ તેમને ફોરવર્ડ કરી. માતાની સરખામણીએ પિતાની વ્યથાનો તેમાં ઉલ્લેખો છે. કેટલાંક અંશો...
  • પોતાના બાળકો માટે સર્કસનો જોકર કે ઘોડો બની જવામાં પિતાને સંકોચ નથી થતો.
  • પોતાને માટે આનંદની બાબત હોય તો, સ્મિતથી વધારે પ્રતિભાવ નથી દર્શાવતા. અને એવી પળોમાં પિતા તરીકેનું તેમનું વ્યક્તિત્વ અદૃશ્ય થઇ જાય છે.પુત્ર બહાર ગયો હોય અને થાય કે લાવ તેનો રૂમ અસ્ત-વ્યસ્ત છે તો જરા સાફ કરી લઉ. અને પિતાએ જુએ કે, ઓશીકા નીચે સીગરેટનું પેકેટ હતું. પિતા તેમ છતાં બીજે દિવસે જમતી વખતે કશું જ બન્યુ ના હોય એમ અજાણ બની જમી લે છે પણ તેમની લાચાર અને દયાજનક સ્થિતી છુપાવવા છતાં છુપાતી નથી.
  • માતાની સરખામણીમાં પિતાને હંમેશા ભૂલી જવામાં આવતા હોય છે. પરદેશ ગયેલો પુત્ર પત્ર લખે ત્યારે સૌ પ્રથમ મમ્મીનું સંબોધન પહેલું કરે અને પિતા માટે તો માત્ર થોડાક જ શબ્દો તેમાં હોય. ત્યારે એ પત્રને ખાનગીમાં વારંવાર પિતા વાંચે છે. અને એ થોડા શબ્દોને ઘણાં કરવા એકાંતમાં મથતો રહે છે. ત્યારે એકાંતમાં પણ પોતાનો ચહેરો લાચાર અને દયામણો લાગતો હોય ત્યારે ચહેરાની રેખાઓ ભાવુકતાની ચાડી ખાઇ ના જાય તેની નિષ્ફળ કોશિશ એકાંતમાં પણ પિતા કરતો રહે છે. 
  • થયેલી અવગણનાને ગણકાર્યા વગર આત્મવિશ્વાસ જાળવી રાખવા મથતા પિતાની આંખમાં કરૂણા જ વહે એમ માનતા પિતા છેવટે તો લાચાર જ લાગતા હોય છે. 
  • વર્ષો પછી અનુભવ્યુ કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ ઝીલીને આપણને છાંયો આપે છે. 
મારા પતિએ આવું વાંચીને નીચે મુજબ પ્રત્યુત્તર આપ્યો.  

આભાર પિતાશ્રીની વ્યથા કથા બદલ...

મૈં કબસે તરસ રહા થા,
મેરે આંગનમેં કોઇ ખેલે,

અને અચાનક એક દિવસ...
ગુપ્ત અને સુપ્ત રીતથી કોઇ કહી ગયું
તમારા ‘લાલા’ની ‘ઇન્ટ્રો’ તો કરાવો..

અને બસ,  કહ્યુ કે,

  • લાલાના ઓશીકા નીચે મળેલું સીગારેટનું ખોખુ, જલતી સીગરેટ દઝાડી જાય તેમ ‘મારો લાલો’ દઝાડતો નથી.
  • મમ્મીને વધારે વ્હાલ કરતા લાલાને જોઇને પપ્પા ખાનગીમાં લાચાર થઇ જવામાંથી બચી જાય છે. 
  • સર્કસનો ઘોડો કે હવા ભરેલો ફુગ્ગો બનવાની ફરજ લાલો પાડતો નથી. મમ્મીનું સંબોધન પહેલું કરી નાંખી ને લાલો પપ્પાને દયામણા બનાવી દેતો નથી. પણ..

તો પછી લાલો કેવો છે, એ તો કહો...


લાલાની મમ્મી ભજનમાં ‘એ’ના ગુણ-ગાન ગાતી હોય, અને બધા નાચી - અને ઝૂમી ઉઠતા હોય, ત્યારે હર્ષના એ આંસુ છુપાવવાનું પપ્પા માટે અઘરૂ થઇ પડે છે!!
  • છુપાવવાનું શું ?
  • લાલાએ જગાવેલા સાચા સ્નેહને દુનિયા ભક્તિના બદલે દંભ ના ગણી લે તે માટે જ તો?
 
ક્યારેક મઝાક કરવા મમ્મી લાલા માટે ભજન ગાય કે , ‘જીવનભરનો કપટી તું નારાયણો જો...ઉપર કાળો હૈયુ કાળુભીંત જો.. ’ અને પપ્પાનું હૃદય પોકાર કરી ઉઠે...એક ચીસ મોટા અવાજે પોકાર કરી ઉઠે...
 

સંત શ્રી પુનિત મહારાજનું આ ભજન...

રડતી રહે છે દાડી, બાળક વિનાની માડી,
અવતાર ઓશીયાળો, ટુકડાની અધિકારી,
ફળ-ફૂલ વિનાની વાડી, બાળક વિનાની માડી,
રહે એકલી અટૂલી, ઝાંખી દીસે મઢૂલી,
ઘોડા વગરની ગાડી, બાળક વિનાની માડી,
રડતી કહે છે દાડી, બાળક વિનાની માડી,
જીવતા રહે અંધાપા બાળક વિનાના બાપા,
જો પુત્ર હોય પ્‍યારા ઘડપણ તણા સહારા.
ટેકા વગરના ફાંફા, બાળક વિનાના બાપા,
ના થાય વંશ વૃધ્ધિ, રઝળે બધી સમૃધ્ધિ,
વાસેલ ઘરના ઝાંપા, બાળક વિનાના બાપા,

આ ભજનના લેખક સંત શ્રી પુનિત મહારાજે જે તે આખ્યાનને અનુરૂપ આ ભજન રચેલું છે.
બાકી તો સંતો ભક્તો તો ‘ભલુ થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ’ - નરસિંહ મહેતા