Saturday, March 12, 2011

ભક્તિયોગ - શ્રીમદ્ ભાગવદ્ ગીતા

શ્રીમદ્ ભાગવદ્ ગીતાના અધ્યાય-૧૨, ભક્તિયોગ, ને મારા પતિદેવે સમજવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે કરેલું કામ બ્લોગ પર મુકુ છુ. મૂળભુત શ્લોક વાદળી અક્ષરોમાં અને લીલા અક્ષરોમાં  મારા પતિદેવે કરેલ ભાવાર્થ છે. અધ્યાય-૧૨ માં કુલ ૨૦ શ્લોક છે. તે પૈકીના પાંચ શ્લોકની વિગતો હાલ પુરતુ મૂકવામાં આવી છે.


૧.અર્જુન બોલ્યાઃ

જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યુ એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો, કે જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મને જ ઘણાં ઉત્તમ ભાવે ભજે છે – એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેત્તા કોણ છે?
--------
અર્જુન ભગવાનને સચોટ પ્રશ્ન પૂછે છે અને બે વિકલ્પો આપે છેઃ-

(૧) સગુણ સ્વરૂપને ભજનારા, અને (ર) નિરાકાર સ્વરૂપને ભજનારા,

એ બે પૈકી વધુ ચઢિયાતા કોણ છે?

જેણે જ્ઞાન જોઇતું હોય તેમણે આવી સ્પષ્ટ અને સચોટ વિચારસરણી કેળવવી જોઇએ.


પોતાનો પ્રશ્ન સચોટ ત્યારે જ હોય કે જ્યારે વ્યક્તિ પોતે વિચારશીલ હોય અને તેનામાં જિજ્ઞાસાવૃત્તિ હોય.


કદાચ આપણામાં અર્જુન જેવી જિજ્ઞાસાવૃત્તિ ના પણ હોઇ શકે; તો કોઇ વાંધો નહીં. પરંતુ અર્જુને જે જે પ્રશ્નો પુછ્યા છે, અને ભગવાને તેના જે જે જવાબો આપ્‍યા છે, તેને આપણે ધ્યાનથી સાંભળીને ગ્રહણ કરીએ તે પણ પુરતું છે.


ટૂંકમાં અર્જુનનો પ્રશ્ન છેઃ- સગુણ સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ એ બે પૈકી કયા સ્વરૂપને ભજનારા વધુ ચઢિયાતા છે.

ર. શ્રી ભગવાન બોલ્યાઃ
મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા-પચ્યા(ૐ) રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રધ્ધાભાવથી યુક્ત થઇને મુજ સગુણસ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગીરૂપ માન્ય છે.
---------
(ૐ) એટલે કે ગીતાના અધ્યાય ૧૧ ના શ્લોક ૫૫ માં કહ્યુ છે એ પ્રકારે નિરંતર મારામાં રચ્યાપ્ચ્યા રહેનારા.
અ.૧૧ શ્લોક-પપઃ- હે પાંડુપુત્ર ! જે કેવળ મારે જ ખાતર સઘળાં કર્તવ્ય- કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રણીઓ પ્રત્યે વેરભાવથી રહિત(+) છે, એ અનન્યભક્તિયુક્ત માણસ મને જ પામે છે.
(+)સર્વત્ર ભગવદબુદ્ધિ થઇ જવાને લીધ એ માણસનો અતિ અપરાધ કરનારાઓમાં પણ વેરભાવ નથી હોતો, પછી બીજામાં તો કેહવાનું જ શું હોય !
---------
ભગવાન મુદ્દાસર જવાબ આપે છે. સગુણ સ્વરૂપે ભજનારા ચઢિયાતા છે.


યાદ રહે કે, અર્જુનનો પ્રશ્ન ચઢિયતા કોણ; તેના વિષે છે. પ્રભુ અહીં સગુણસ્વરૂપને ભજનારા ચઢિયાતા હોવાની વાત કરે છે. પણ ભગવાન અહીં સગુણસ્વરૂપને ભજનારાઓના લક્ષણો કેવા હોવા જોઇએ; તેનું વિવરણ પણ કરે છે. ભગવાન કહે છેઃ-


(૧) મારે જ ખાતર બધા કર્મો કરનારા,
(ર) આસક્તિ વિનાના તથા,
(૩) વેરભાવરહિત હોય

- તેવા ભક્તો સગુણ સ્વરૂપને ભજે છે;  - તેને પ્રભુ ચઢિયાતા ગણે છે.


ભગવાન અગત્યની વાત કહે છે કે,
(૧) મારામાં મનને પરોવીને
(ર) મારામાં રચ્યા પચ્યા રહેનારા
(૩) અડગ શ્રદ્ધાભાવથી જેઓ સગુણસ્વરૂપને ભજે છે તેઓ ચઢિયાતા છે.
(૪) કેવળ મારે ખાતર બધા કર્મો કરનારા
(પ) મારે પરાયણ
(૬) આસક્તિ વિનાના
(૭) વેરભાવરહિત એવા અનન્યભક્તિયુક્ત હોય તે મને પામે છે.

૩-૪. શ્રી ભગવાન કહે છેઃ
પરંતુ, જે ભક્તો, ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન-બુધ્ધિથી પર, સર્વવ્યાપક, કોઇ પણ રીતે નિર્દેશ ન થઇ શકે એવા, સદા એકરસ રહેનાર, નિત્ય, અચળ, નિરાકાર, અવિનાશી સચ્ચિદાનદધન બ્રહ્મને નિરંતર એકાત્મભાવે ધ્યાન કરતાં ભજે છે, એ સઘળાં ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાનભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે.
---------
સગુણ સ્વરૂપને ભજનારાઓને ચઢિયાતા ગણાવ્‍યા પછી ભગવાન નિરાકાર સ્વરૂપને ભજનારાઓ વિષે પણ કહે છે. અર્જુનના પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપ્‍યા પછી ભગવાન એટલા માટે નિરાકાર સ્વરૂપને ભજનારાઓ વિષે સ્પષ્ટતા કરે છે કારણ કે નિરાકાર સ્વરૂપને ભજનારા પણ પ્રભુને પામે તો છે જ.


ભગવાન આ સ્પષ્ટતા ન કરે તો નિરાકાર સ્વરૂપને ભજનારા વિષે પૂર્વાગ્રહ ઉભો થાય. માટે ભગવાન નિરાકાર સ્વરૂપને ભજનારાઓ માટે કોઇ ગેરસમજ ઉભી થવાનો સંભવ ના રહે માટે સ્પષ્ટતા કરે છે.


નિરાકાર સ્વરૂપને ભજનારા માટે ભગવાન કહે છે કે, સચ્ચિદાનંદધન બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન કરીને ભજનારા યોગીઓ મને પામે છે.


ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને –દરેક જીવ પ્રત્યે સમાનભાવ રાખનારા - જેનું વર્ણન ના થઇ શકે તેવા નિત્ય, અચળ, નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદધન બ્રહ્મને - સતત અને સતત એકાત્મભાવથી ભજનારા - યોગીઓ પણ ઇશ્વરને પામે છે.

૫. શ્રી ભગવાન કહે છેઃ
પણ, સચ્ચિદાનંદધન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે; કારણ કે, દેહભિમાનીઓ વડે અવ્યક્તવિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત્ દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે.
-----------
નિરાકાર સ્વરૂપનું ધ્યાન કરનારા માટે પ્રભુ ઉમેરે છે કે, તેવી સાધનામાં શ્રમ વધુ છે.


આંખને નિત્ય નવા દૃશ્યો જોવા ગમે, કાનને રોજે-રોજ નવું સાંભળવાનું ગમે, જીભને નવા નવા સ્વાદ ચાખવાનું મન થાય, આમ ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્મુખી હોવાથી ઇન્દ્રિયો વ્યક્તિને બહિર્મુખી બનાવે છે. આ જગતની રચના જ ઇશ્વરે માયામય કરી છે.


બહાર વહેતી શક્તિની ધારાઓને અંકુશમાં લઇ, ભટકતા મનને વશ કરીને, ઇન્દ્રિયો મારફત વેડફાતી શક્તિની ધારાને ઉલટાવીને, માયામાં વપરાતી શક્તિને અંદર તરફ વાળીને, અંતર્મુખી બનીને ઇશ્વરમાં મનને પરોવવું; તે ઇશ્વરસાધના માટે અનિવાર્ય છે.


પરંતુ, ઇન્દ્રિયોનો સ્વભાવ જ વ્યક્ત થયા કરવાનો છે. ત્યારે તેથી વિપરીત, કોઇ પણ વ્યક્તિ માટે અંતર્મુખી થઇને પોતાના મનની અ-વ્યક્તવિષયક ગતિ પ્રાપ્ત કરવાનું કઠીન છે. જેથી અ-વ્યક્તવિષયક ગતિ પ્રાપ્ત કરવામાં ભક્તને શ્રમ વધુ છે-તેમ ભગવાન કહે છે.


આપણામાં દેહાભિમાનનું હોવું; તેને સારા અને ખરાબ એ બેમાંથી એકેય દૃષ્‍ટિકોણથી મૂલવવાની ઝંઝટમાં પડવા જેવું નથી. લઘુતાં કે હિણપતમાં ય પડવા જેવું નથી અને દેહાભિમાનને પંપાળીને મોટુ બનાવવામાં ય સાર નથી.


પરંતુ, દેહાભિમાન રહે જ તેવું માયામય જગત ભગવાને જ બનાવેલુ છુ – અને દેહાભિમાનને કારણે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે, એમ ભગવાન કહે છે.