પરીચય..મીનાબેન..About




શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીને મારા પતિદેવે ગુરુજી તરીકે સ્વીકારેલા અને તેઓ ધ્યાન પ્રાણાયામ કરતાં. ધાર્મિક બાબતોમાં મને સાવ જ રસ ન્હોતો એવું તો ન હતુ. અલબત્ત, મારામાં તે માટે જોઇએ તેટલી ગંભીરતા ન હતી. મારા પતિદેવના નિષ્ઠાવાળા (ગાંભીર્યથી ભરપૂર !!) પ્રયત્નોની સામે અધ્યાત્મની મારી બાબતો સાવ જ નહીં બરાબર રહેલી.

બચપણ અને અભ્યાસ


નાનપણમાં અમદાવાદ, મણિનગરમાં આવેલા સીતાબાગ સોસાયટીના અંબાજી માતાના મંદિરે મારા મમ્મી-પપ્પા (રમેશભાઇ ભાઇલાલભાઇ ઠક્કર-મધુબેન રમેશભાઇ ઠક્કર) મને તેમની સાથે લઇ જતા. આ સ્થળ માતાજીના ધામ તરીકે તે સમયે સારુ એવું ખ્યાતિ પામેલું હતુ. ત્યાં મને ગરબા ગવડાવવા માટે કહેવાતું અને હું ગવડાવતી જે બધા પસંદ કરતા હતા.

આદરણીય જયમનબેન દવે સંચાલિત હીરાભાઇ કન્યાશાળા, વલ્લભવાડી, મણિનગર, અમદાવાદ, માં મારો શાળાનો અભ્યાસ થયેલો. એસ.એસ.સી (ઓલ્ડ) માં તે સમયમાં અંગ્રેજી અને ગણિતના વિષયો વગર પણ એસ.એસ.સી. કરી શકાતુ હતુ. મારે બંને વિષયોમાં પ્રોબ્લેમ હોવા છતાં મેં બેય વિષયોરાખેલા જે પ્રથમ કસોટીના પરિણામ પછી જબરદસ્તીને કારણે મારે છોડવા પડેલા. તે અંગેના મારા ઇન્કાર અંગે મને સમજાવવામાં આવેલી કે, બેન તારા બંને વિષયોના માર્ક્સ જો. સ્કુલલાઇફની કોઇ બેનપણીને ત્યાં ભજન આખ્યાનનો કાર્યક્રમ હોય ત્યારે એસ.એસ.સી.ના મારા પરિણામો અને માર્ક્સની વાતો સમયોચિત કરેલી છે. મંડળની કેટલીક બેનો કેટલાક ભજનના કાર્યક્રમમાં એસ.એસ.સી.નું મારૂ પરિણામ જાહેર કરવા કહેતી હોય છે.


હિરાભાઇ કન્યાશાળામાં થતી નિત્ય પ્રાર્થના અને ગીતાજીના બીજા, બારમા અને પંદરમા અધ્યાયના પઠન અને અધ્યયનનો લાભ મને છેક શાળા કક્ષાએથી પ્રાપ્ત થયેલો. વિવિધ સ્તુતિઓ, શ્લોકો, અને પ્રાર્થનાઓના સંગ્રહવાળી પુસ્તિકા મારી શાળા હિરાભાઇ કન્યાશાળા તરફથી ભાવાંજલી  શીર્ષક હેઠળ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ પુસ્તિકામાં ગીતાજીના બીજા, બારમા અને પંદરમા અધ્યાય પણ સામેલ છે જે અમને ભણાવવામાં આવતાં. આ બધાનો મજબૂત પાયો મારા બાળપણથી રોપાયેલો છે, જે મારી શાળાને આભારી છે.

દાંપત્ય


આ સંયોગોનું ભાથું મને મળેલું હતુ. પરંતુ મારા લગ્ન બાદ, ખાસ્સા સમય સુધી, મારા પતિદેવ (પી. યુ.  ઠક્કર)ને મારી સામે મોટો વાંધો રહ્યા કરતો હતો કે, હું કોઇ પ્રકારનું વાંચન કરતી ન્હોતી. મારા પતિદેવનું વાંચન ખૂબ રહેતું અને સાથે સાથે, મારે પણ વાંચનનો શોખ કેળવવો; તેવો તેમનો તીવ્ર આગ્રહ પણ રહેતો. આ આગ્રહને કારણે અમારા શરૂઆતના દાંપત્યજીવનમાં અશાંતિ રહ્યા કરતી. અમારા ઝઘડા (મારા પતિદેવના-મારે કંઇ જ કરવાનું ન્હોતું !!) વાંચન માટે થતા. 

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીની સંસ્થા યોગોદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા (YSS) તરફથી આવતાઆધ્યાત્મિક પાઠો (spiritual lessons) નો અભ્યાસ અને ભાષાંતર મોંડી રાત સુધી સખત મહેનત લઇને મારા પતિ કરતાં. તેમના કહેવા મુજબ આધ્યાત્મિક બાબતની બારીકાઇથી સમજવાની વાત અને તે પણ અઘરા અંગ્રેજીમાં હોવાથી સામાન્ય (એવરેજ) લોકો કરતાં મારા પતિનું અંગ્રેજી સારું હોવા છતાંતેમને સમજવામાં મુશ્કેલી પડતી હતી. ૧૯૯૫ ની સાલમાં એક રાત્રે ૩.૦૦ વાગ્યાના સુમારે મારા પતિદેવ યોગદાના પાઠોમાં ગળાડૂબ હતા ત્યારે હું જાગી અને શ્રી પરમહંસ યોગાનંદજીને ગુરુ તરીકે સ્વીકારવાનો મને પણ સાહજિક વિચાર આવ્યો. મારા પતિદેવના ગુરુ હતા, તેથી હું ગુરુજી પ્રત્યે વિશેષ આદરભાવ ધરાવતી હતી પરંતુ એ તો મારા પતિના ગુરુ તરીકે જ.  પણ મને પોતાને શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીને મારા ગુરુ તરીકે સ્વીકારવાનો વિચાર સ્ફૂર્યો અને તેનો પ્રસ્તાવ મેં મારા પતિ સમક્ષ મૂક્યો. અગાઉ મારા પતિદેવે કદી પણ શ્રી શ્રી યોગાનંદજીને ગુરુ તરીકે સ્વીકારવા માટે મને કોઇ દબાણ કે આગ્રહ કરેલો ન હતો. પરંતુ તે માટેની મારી વ્યક્ત થયેલી ઇચ્છાથી અત્યંત ખુશ થઇને તેમણે મારે માટે સાથી સભ્યપદ મેળવવાની વિધિ માટેનો YSS સાથે પત્રવ્યવહાર કર્યો. તરત પછીના દિવસોમાં અમારા ગુરુજીની આત્મકથાના વિશ્વવિખ્યાત પુસ્તક યોગી કથામૃત ’ એક યોગીની આત્મકથા  નું વાંચન મેં શરૂ કર્યું. ગુરુ સંસ્થામાંથી પણ અમારે માટે અમે દિવ્ય ઇશ્વરીય સ્નેહના માર્ગે આગળ વધીએ તે માટેની પ્રાર્થના કરવામાં આવી. આ પછી કુદરતી રીતે જ મારામાં ભજન ભક્તિનો ભાવ વધ્યો. પહેલાં હું એ બધું કરતી જ હતી. પણ હવે તેમાં જાણે કે પ્રાણ પુરાયો. હૃદયપૂર્વક મન ભક્તિ તરફ ખેંચાવા લાગ્યું.



સત્સંગની શરૂઆત


અમે રહીએ છીએ તે રત્નદીપ સોસાયટી, ઇસનપુર, અમદાવાદ ખાતે વર્ષ ૧૯૯૨-૯૩ ના અસસામાં, ખાસ કરીને મોટી ઉંમરના બહેનો અગીયારસ-પૂનમ હોય ત્યારે ચાર-પાંચ જણા ભેગા થઇ ઘરના ઓટલે કે કમ્પાઉન્ડમાં બેસીને ભજન કરતાં. તેમાં માજીઓ મને ક્યારેક ક્યારેક ભજન ગાવા બોલાવે. બસ, આ રીતે શરૂ થયેલા અમારા અ-વિધિસરના મંડળે ડીસેમ્બર ૨૦૧૦ સુધીમાં ઇશ્વરકૃપાથી સત્સંગના ચાર હજાર આઠસોથી ઉપરની સંખ્યાના કાર્યક્રમો કર્યા છે. પરંતુ આ ક્ષેત્રમાં શરૂઆત અમારી સોસાયટીથી થઇ જેમાં સોસાયટીમાં આમંત્રણથી બધાને ત્યાં ભજનો માટે કરીને બપોરના સમયે જતા અને તેમાં ધીમે ધીમે મંડળના સભ્યોની સંખ્યા ૧૨-૧૫ જેટલી થઇ ગઇ. કોઇક વખત રાત્રે પણ ભજન હોય. અમે બધા બાળ કનૈયાના ચિત્રજી સાથે લઇને જઇએ અને એ લાલુડોજાણે કે અમારા મંડળનો બોલતો-ચાલતો સભ્ય હોય એવા ભાવથી એને સાથે લઇ જઇએ. અમારા આવા મહિલા ભજન મંડળમાં એકાદ બેન ઢોલક વગાડે. ગમે તે રાગનું ભજન હોય પણ ઢોલકનો તાલ તો એક જઃ ઢૂમ-ઢૂમ-ઢૂમ-ખાલી-ઢૂમ-ઢૂમ-ઢૂમ-ખાલી.. અને તેમાં ય બધાને જો રંગત આવે તો, સામાન્યપણે આજે પણ મહિલા મંડળમાં જોવા-સાંભળવામાં આવે છે તેમ બધી બેનો એકી અવાજે એક જ સૂર-લય-તાલમાં હાં….…. કરે અને એક બાજુથી જોર જોરથી ગાવા મચી પડે અને હૃદયનો નિર્દોષ અને સાત્વિક આનંદ વ્યક્ત કરે. અમારા આવા મંડળની ખ્યાતિ અને સભ્યસંખ્યા વધવા માંડી. મારામાં નેતાગીરીનો સદંતર અભાવ છે પણ ભજન ગાવામાં મને અગ્રણી ગણવામાં આવતી. કોને ત્યાં ક્યારે ભજન કરવા જવાનું છે; એવી બધી બાબતો બીજા બેનો સંભાળતા. એ રીતે અમારી મંડળી શ્રાધ્ધ અને અધિક માસમાં તો, ત્રણ ત્રણ પાળીમાં ભજન કરવા માંડી. ભજનોનો વ્યાપ અમારી આજુ-બાજુની સોસાયટીઓ ઉપરાંત ઇસનપુરની બહારના વિસ્તારમાં થવા માંડ્યો. મને એક રીતે સમૂહ મળ્યો અને આ સમૂહનો પ્રેમ પણ મળ્યો. એ સમયગાળામાં સાંજે બાળકોને ટ્યુશન આપવાનો પાર્ટટાઇમનો વ્યવસાય પણ કરતી.(ધોરણ ૮ અને ૯ ના બાળકોને અંગ્રેજી શીખવતી હતી. મારા પતિના સહયોગથી અને મારે માટેની વિકાસયાત્રાના તેમના અસાધારણ દુરાગ્રહથી !! સમય જતાં મારામાં અંગ્રેજીના ખપપૂરતા જ્ઞાનનો ઉદય થઇ ચૂક્યો હતો) પણ ભજનનો વ્યાપ વધતાં બાળકોને ટ્યુશન આપવાનું બંધ કર્યુ.


સાસુજીનો સાથ

પૂ. લક્ષ્મી બા 
નિર્વાણ દિનઃ ૨૬-૦૫-૨૦૦૯


મારા સાસુ, સ્વ.લક્ષ્મીબા, તેમની ૪૫ વર્ષની નાની વયે ૧૯૭૪ ની સાલમાં વૈધવ્ય પામેલા. લક્ષ્મીબા, ગોરધનવાડી ટેકરો, કાંકરીયા, અમદાવાદ ખાતે એક મહિલા ભજન મંડળ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેઓ ભક્તિમાં જ સમય ગાળતા. લક્ષ્મીબાનો અવાજ ખૂબ જ સૂરીલો હતો. ભજન સાચા ભાવથી ગાતા. તેઓ કદી પણ બેસૂરુ ગાતા નહીં. લક્ષ્મીબા તેમના મડળમાં ઢોલક પણ વગાડતા.



આ બાજુ મારામાં કુદરતી રીતે વધેલી વાંચનની વૃત્તિથી મેં સંતોના જીવનચરિત્રો વાંચીને આખ્યાન સાથે હવે ભજન શરૂ કર્યા હતા જેનો પ્રતિસાદ સારો મળતો જતો હતો. એક વખત અમારા મંડળમાં ઢોલક વગાડનારની અને ઢોલકની જરૂરીયાત ઉભી થઇ. વહુનું રણે રાખવા લક્ષ્મીબા વહુની વ્હારે ઇસનપુર આવી ગયા. તૂટી ગયેલા એક ઢોલકને એના એ જ દિવસે બપોરે બાર વાગ્યે બંધાવવમાં આવ્યું. અને લક્ષ્મીબાએ બપોરે ત્રણ વાગે એ ઢોલકને બરોબર ધમધમાવ્યું. તે દિવસનું ભજન શ્રધ્ધાંજલિ નિમિત્તે હતુ. ભજનના તે દિવસના અમારા યજમાન અમારા વતનના ગામ જેતલપુરન દરજી કુટુંબના શ્રી શરદભાઇ ચાવડા, નાયબ કલેક્ટર હતા. જેઓ અમારી બાજુની જયકૃષ્ણ સોસાયટી, ઇસનપુર ખાતે રહેતા હતા. શ્રી શરદભાઇના માતુ શ્રીની પુન્ય તિથિ નિમિત્તે તે ભજન હતુ. ભજનનો તે દિવસ મારા જીવનનો ટર્નીંગ પોઇન્ટ હતો. અમને બધાને લક્ષ્મીબાની સાથે ભજન કરવાની બહુ મઝા પડવા લાગી.



ત્યારબાદ, મારા સાસુ અનાયાસે જ અમારા મંડળ સાથે જ જોડાયેલા રહ્યા. અને ગોરધનવાડી ટેકરા ખાતેનું મંડળ કે, જેમાં લક્ષ્મીબાનો સક્રીય સહયોગ રહેતો; તે મંડળ લગભગ નિષ્ક્રિય થઇ ગયુ. ઇસનપુર ખાતેનું અમારૂ મંડળ વહુ ભજન-આખ્યાન કરે અને સાસુ ઢોલક વગાડે એ રીતે ઓળખાવા માંડ્યું. આખ્યાનોના અભ્યાસ અને સાથે સાથે ભજનોની સંખ્યા પણ વધવા માંડી. ભજનોની સંખ્યાનો રાફડો ફાટ્યો. જુદી જુદી સોસાયટીઓના અને વિસ્તારોના મહિલાઓના ભજન મંડળો જ્યારે પોતે બીજા કોઇનું ભજન રખાવે તો, અમારા મંડળને બોલાવે. આમ આજુબાજુના ઘણા મોટા વિસ્તારમાં ભજન થવા માંડ્યા.




સ્વ. સુભદ્રાબેન ઠક્કર, ઉંમરમાં મારા કરતા લગભગ ૨૫ વર્ષે મોટા હતા. લૌકીક સંબંધે મારા દૂરના નણંદ થાય. તેઓ પણ આખ્યાન સાથે ભજન કરતા. તેમના ભજનો રાયપુર, માણેકચોક, કાલુપુર વગેરે જેવા શહેર વિસ્તારમાં વિશેષ રહેતા. સુભદ્રાબેનને પગે ફ્રેક્ચર થવાથી રાયપુર ખાતેના ચકલેશ્વર મહાદેવમાં ગોઠવાયેલું ભજન કરવા સુભદ્રાબેને તેમના બદલે મને મોકલી. ત્યારે હું ૩૭ વર્ષની હતી. મારૂ ટુ વ્હીલર Bajaj M 50’ લઇને મારા મંડળના બીજા કોઇને લીધા વગર હું એકલી જ ભજન કરવા ચકલેશ્વર મહાદેવ ગયેલી. સુભદ્રાબેનના મંડળના સભ્યો  ત્યાં હાજર રહેવાના હતા. ભજન પત્યા પછી તો બધા માજીઓએ મને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું કે, અમને તો એમ કે, ભગત તો બહુ નાના છે અને પાછા સ્કુટર ઉપર આવ્યા છે તો શું ભજન કરશે? પણ અમને તો બહુ મઝા આવી. સુભદ્રાબેનના મંડળના બેનોએ ભજન સચવાઇ ગયાના સમાચાર સુભદ્રાબેનને પહોંચાડી દીધા. આમ સાવ જ બહારના વિસ્તારમાં મને ભજન આખ્યાનની તક મળી.


ભજનોની સંખ્યા વધવાથી મારા ગળાને પડતા શ્રમને લઇને મારા પતિદેવે ૮૦ વોટની સાઉન્ડ સીસ્ટમ તાબડતોબ ખરીદી લીધી. ગાનાર, ઝીલનાર અને ઢોલક આગળ એમ ત્રણ માઇક્રોફોનની મર્યાદાવાળી સાઉન્ડ સીસ્ટમથી અમારૂ કામ ચાલતુ. આમ, હવે અમે માઇક મારફત ભજન કરતાં થયા તે આ પ્રકારના ભજન મંડળોથી થોડી વિશેષ બાબત હતી. આ બાબતનો શ્રેય મારા પતિને જાય છે.

બીજી બાજુ ભજનના ઢૂમ..ઢૂમ..ઢૂમ.. ખાલી ના તાલમાંથી બહાર નીકળવાના પ્રયાસો સફળ થઇ શકતા ન હતા. કારણ કે, અમે ઢોલક વાગે તેમ ગાતા હતા કે, પછી અમે ગાતા હતા તેમ ઢોલ વાગતુ હતુ; તેની કોઇ ગતાગમ મને તો ન હતી. પરંતુ તે બાબત મારા પતિદેવને (તેમના સ્વભાવ મુજબ જ !!) બહુ ખૂંચતી હતી.

સાઉન્ડ સીસ્ટમ ગોઠવવાની અને ઓપરેટ કરવાની તાલીમ મને મારા પતિદેવે આપી દીધી (કડકાઇથી તે ભાગ્યે જ કહેવાની જરૂર જ હોય !!) જેનું મોનીટર હું મારી પાસે રાખતી તેનો વોલ્યુમ કન્ટ્રોલ હું જાતે  રેગ્યુલેટ કરતી. સાઉન્ડ  સીસ્ટમના લાભ હોવા છતાં તેને ઉચકીને લાવવા લઇ જવાના વહીવટના ભારને કારણે હું ક્યારે ક્યારેક વગર માઇકે જ ભજન કરૂ. મારા પતિદેવ સવારે ઓફીસે જતી વખતે સૂચના આપીને જાય કે , ભજનમાં માઇક લઇને જજો અને સાંજે ઓફીસેથી આવીને પહેલો સવાલ પૂછે કે, ભજનમાં માઇક લઇ ગયા હતા કે કેમ. કોઇ પણ જાતની ગંભીરતા વગર મારી આદત પ્રમાણે હસતા હસતા હું કહુ કે, ન્હોતા લઇ ગયા, મોંડુ થઇ ગયું હતુ, કોણ ઉચકી જાય. માઇક વગર ય ભજન સરસ થાય છે. લાલાને તો ગમે જ છે. વગેરે બહાના સાંભળતા મારા પતિદેવ તેમના સ્વભાવગત્ અસ્વસ્થ થઇ જાય. અને તરત જ અસ્વસ્થતા ગુસ્સામાં પરિણમે અને ગળાને પડતા શ્રમથી શરૂ થઇને કેન્સર વગેરે બાબતો તે (પ્રવચન !!) માં આવે.

કાયમી ઉપાય તરીકે અમારે ત્યાં કામ કરતા ઘરના સભ્ય જેવા અને મા જેવું હેત આપતા ઉજીબાને ટ્રેઇન કરવામાં આવ્યા. ઉજીબા મૂળ કાઠીયાવાડના અને તેમના અત્યંત સ્વમાની સ્વભાવને લઇને બધા તેમને સૌરાષ્ટ્રનો સાવજ કહેતા. ઉજીબા અમારા સાઉન્ડ સીસ્ટમ ઓપરેટર અને સાઉન્ડ સીસ્ટમ લાવવા-લઇ જવાની જવાબદારી ઉઠાવે. અને ભજનના સ્થળે મોનીટર સ્પીકરો વગેરે ગોઠવી દે પછી સ્વીચથી પાવર સૌથી છેલ્લે આપવાનો. પછી મોનીટરને હું ઓપરેટ કરૂ.


કાળક્રમે ઇશ્વર કુપાથી ભજનની ગાયકીમાં અને આખ્યાનમાં સુધાર આવતો ગયો. મારા પતિ ક્યારેક ક્યારેક ભજનમાં આવે અને મને ઇન્સ્પેક્શન આવ્યું હોય તેવું લાગે. ભજન-ભક્તિના રાહ પર એ સાચા મિત્રની જેમ હંમેશા મારી પડખે ઉભા રહ્યા છે અને તેમના સૂચનોથી મને ઘણું બળ મળ્યું છે. સમય પસાર થતાં  મારા સાસુની વધતી ઉંમરને કારણે શારીરિક શક્તિઓ ઓછી પડવા લાગી અને સાથે સાથે, મારી ગાયકીમાં આવેલા સુધારને કારણે ઢોલક વગાડવાની મારા સાસુની રીધમની મર્યાદાને કારણે આશરે ૨૦૦૩ ની સાલથી પ્રોફેશનલ ઢોલક પ્લેયર (મનુકાકા, વિનોદકાકા વગેરે) સામેલ કરવામાં આવ્યા. ત્રણસો-ચારસો શ્રોતાઓ સુધી અવાજ પહોંચાડી શકે એવી અમારી વસાવેલી સાઉન્ડ સીસ્ટમની મર્યાદા દૂર કરવા માટે વધારે સારી સાઉન્ડ સીસ્ટમ પણ આ જ સમયથી હાયર કરવાનું ગોઠવાયું. શરૂઆતમાં મારા પતિના મિત્ર એવા ભજનિક શ્રી વિષ્ણુભાઇ ઠક્કરની સાઉન્ડ સીસ્ટમ હાયર થતી. બાદમાં નવીનભાઇ પંચાલની સાઉન્ડ સીસ્ટમ અમારા મંડળનો એક ભાગ બની રહી. એ જ રીતે એકાદ વર્ષ બાદ, એટલે કે, ૨૦૦૪ના વર્ષથી પ્રોફેશનલ ઓર્ગન પ્લેયર સામેલ કરવામાં આવ્યા.(અનુકૂળતા મુજબ ભજનમાં આવતા ઓર્ગન પ્લેયરોઃ- ભાણજીભાઇ, મનુકાકા, રાકેશભાઇ દવે, હેતલભાઇ જોષી, ભાવિનભાઇ, જિનયભાઇ સોની, વિનોદભાઇ દત્ત, અશ્વીનભાઇ પંચાલ, કિંજલભાઇ ભટ્ટ, મનહરભાઇ, શક્તિભાઇ, નરેન્દ્રભાઇ, પથિકભાઇ પંચાલ વગરે )  માઇક, ઢોલકપ્લેયર અને ઓર્ગન પ્લેયર એ સમારેલ થતાં અમારા ભજન-આખ્યાનમાં હવે નોંધપાત્ર પરિવર્તન આવી ચુક્યું હતુ. 

હજામત જેવા કાર્ય માટે એક વાળંદભાઇ પણ તેમના અસ્ત્રાને નિત ધાર કાઢતા રહેતા હોય છે અને પક્ષીઓ ચણતી વખતે થોડી થોડી વારે તેમની ચાંચને વૃક્ષની ડાળી પર ઘસીને તીવ્ર રાખતા હોય છે. તેમ ભજન સાંભળનારાઓ માટે આજના યુગની આવશ્યક્તા મુજબ રોચક અને સંગીતમય ભજન કાળક્રમે બનતું ગયું. શરૂઆતમાં બધા બેનોની વચ્ચે ઉભી રહીને આખ્યાન કરતી. પણ એક જ દિવસે ત્રણ ત્રણ ભજનો હોય તેવા ઘણાં દિવસો રહેતા આથી ખુરશીમાં બેસીને ભજન કરતી અને ભજન સંગીતમય થતાં કાળક્રમે મારે માટે સ્ટેજની વ્યવસ્થાએ આકાર લીધો. 

સ્ટેજ ઉપર હું બેઠી હોઉ સાજીંદાઓ સાઇડમાં તેમના વાજીંત્રો સાથે બેઠા હોય અને મારુ મંડળ સામે ઓડીયન્સમાં બધાની સાથે હોય; તેવો મારો પહેલો ભજન-આખ્યાનનો કાર્યક્રમ પુનિત આશ્રમ, મણિનગર ખાતે, મણિનગર સીનીયર સીટીઝન્સના ઉપક્રમે યોજાયેલો. 
મારા મંડળની બેનો બીજા ભક્તો દ્વારા થતાં નવધા ભક્તિ, ભાગવતકથા વગેરે ક્યાંક સાંભળીને આવે ત્યારે મારી પાછળ પડી જાય અને મને કહે કે, બેન તમે પણ નવધા ભક્તિ કરો, ભાગવત કરો. આમ, મને મળેલા પ્રોત્સાહન અને લાલાની ભક્તિએ મને નવધા ભક્તિ, રામકથા, શ્રીમદ્ ભાગવત કથા શીખવી દીધી.

જીવનને ભક્તિરાહ પર ચલાવવાનું લાલાએ જ નિર્માણ કરી દીધેલું હતું. મૂળ ધ્યાન માર્ગી હોવા છતાં પરમેશ્વરે બધાની વચ્ચે ટોળામાં જ લાવીને મૂકી દીધા. ધ્‍યાન દ્વારા માત્ર પોતાના વ્યક્તિગત પુરતુ જ નહીં પણ મોટા સમૂહમાં ભક્તિ કરવાનું કામ ઇશ્વરે જ સોંપી દીધુ.


બાળપણનો વારસો, માતા-પિતાના સંસ્કાર, શાળાના સંસ્કાર, પતિદેવનો સાથ, ગુરુકૃપા, ઘરનું તથા સોસાયટીનું વાતાવરણ અને વિશેષ તો સાસુનો સાથ, મંડળ તથા શ્રોતાગણોના સ્નેહ એવા કંઇક યોગે કરીને ભક્તિ માર્ગે મારાથી જઇ શકાયું. એ બધા યોગોની આપણને ખબરેય ના પડે . વિશેષતઃ તો ઇશ્વરકૃપાથી જ આ શક્ય બને. તેમાં આપણી એષ્‍ણા કે સ્વાર્થભરેલી ઇચ્છાઓ કામ લાગતી નથી. અલબત્ત, પોતાની ઇચ્છાશક્તિને બિનસ્વાર્થી અને નિષ્કામ ભક્તિ તરફ વાળવાનો ઇરાદો હોવો જોઇએ. તો બાકીનું બધું પ્રભુ કુપાથી જ થાય ...

અમારા ગુરુ શ્રી શ્રી પરમહંસ યોગાનંદે એક ભજનમાં પ્રભુને સંબોધીને કહ્યું છેઃ-

હે પ્રભુ, આપને માટે હૃદયના દ્વારા ખોલ્યા છે,
એક વાર દર્શન દેવા ક્યારે આવશો, આવશો કે નહીં?
પ્રભુ તમારા દર્શન વિના, શું જીવન એળે જશે?  
પ્રભુ, હું દિવસ-રાત આપની રાહ જોઉં છુ..


મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે, એ સૌનો વ્હાલો છે.

તેમ પ્રભુભક્તિમાં નિષ્‍ઠાથી લીન થવાનો પ્રયાસ કરતાં જઇએ તેમ ધીમે ધીમે ભગવાન તેમની કૃપા વધારતા જ જાય..

13 comments:

  1. બાળપણનો વારસો, માતા-પિતાના સંસ્કાર, શાળાના સંસ્કાર, પતિદેવનો સાથ, ગુરુકૃપા, ઘરનું તથા સોસાયટીનું વાતાવરણ અને વિશેષ તો સાસુનો સાથ, મંડળ તથા શ્રોતાગણોના સ્નેહ એવા કંઇક યોગે કરીને ભક્તિ માર્ગે મારાથી જઇ શકાયું. એ બધા યોગોની આપણને ખબરેય ના પડે . વિશેષતઃ તો ઇશ્વરકૃપાથી જ આ શક્ય બને. તેમાં આપણી એષ્‍ણા કે સ્વાર્થભરેલી ઇચ્છાઓ કામ લાગતી નથી. અલબત્ત, પોતાની ઇચ્છાશક્તિને બિનસ્વાર્થી અને નિષ્કામ ભક્તિ તરફ વાળવાનો ઇરાદો હોવો જોઇએ. તો બાકીનું બધું પ્રભુ કુપાથી જ થાય ...
    Minaben..
    I took the time & read the full story of your Yatra.
    You are on the BHAKTIMARG with deep conviction in your Heart. I am happy for you & pray for you.
    In this LAKHAN..I was touched by your words of "thanking" all for your PARIVARTAN....and along with dedicating ALL to GOD !
    That's the Key !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Minaben..Hope to see you on Chandrapukar..I request..but it will happen "at God's Will"

    ReplyDelete
  2. મીનાબેન પી. ઠક્કર18 March, 2011 21:38

    ચંદ્રવદનભાઇ, આપનો ખૂબ ખૂબ આભાર. આજના ઇન્ટરનેટના યુગમાં માહિતી પહોંચાડવાનું બહુ અગત્યનું થઇ ગયું છે. તે સાથે આપ સહમત થશો. ભજન મંડળના આ બ્લોગ દ્વારા છેવટે સત્સંગ અને ભજનનો વ્યાપ ફેલાવવો અને એ રીતે અમે ભગવાનનું ભજન કરી શકીએ. એ જ આશય છે. આપના બ્લોગની અનુકૂળતાએ મુલાકાત લઇશ.

    ReplyDelete
  3. મીનાબેન,

    ફરી બ્લોગ પર આવ્યો.

    તમે લખેલા શબ્દો વાંચવાનો લ્હાવો લીધો.

    આભાર !

    ચંદ્રવદનભાઈ

    ReplyDelete
  4. meenaben tamari pasethi prerana layine shikhvani jaroorat vadhu samjai

    ReplyDelete
  5. આપનો આભાર,બ્લોગની મુલાકાત લેવા બદ..
    મારી પાસેથી પ્રેરણા મળે..એવો આપનો મત છે.. પરંતુ આપને કહેવા માંગુ છુ કે,

    એના પ્રકાશે હું જગતને જોઉં..
    ભક્તિની જ્યોત મારા હૃદયે પ્રગટાવજે,
    ભજન મોટા સમૂહમાં ય થઇ શકે અને એકલા બેસીને ય થાય.

    એકલા બેસીને તે માટેની ઇચ્છા કરીને ઇશ્વર પ્રેમમાં મસ્ત થઇ જનારા કેટલા?

    ભજન એટલેઃ-
    સમૂહમાં બેસી ગયા.
    કોઇ ગંભીર કે જટીલ ચર્ચા વિચારણા નહીં.
    ચાલવાનું આવ્યું તો, ચાલવા માંડ્યા, અને
    તરવાનું આવ્યું તો તરવા માંડ્યા.

    ભજન એટલેઃ-
    મનરૂપી ચરખો ચાલ્યા કરે, અને
    ભજનના સૂતરે સ્મૃતિરૂપી કાપડ વણાયા કરે.

    ભજનનો લ્હાવો કેવો ?
    ભજન-સત્સંગ યોજી જુઓ, અથવા
    કોઇએ યોજેલા સત્સંગમાં પધારી જુઓ

    ReplyDelete
  6. અભિનંદન શ્રી પ્રવિણભાઈ તથા મીનાબેન, આપ લાલાના ભજન કિર્તન કરો છો ઉપરાંત કમ્પયુટર દ્વારા અમારા જેવા જીજ્ઞાસુઓની પિપાસા તૃપ્ત કરો છો. હવે એમાં થોડો ઉમેરો કરો, તમારા કાર્યક્રમનો લાભ યુ ટ્યુબ અને ઓડિયો દ્વારા અમને મળે એની વ્યવસ્થા કરવા કૃપા કરશોજી. કૃપાળુ પરમાત્મા આપને ક્ષેમ કુશળ રાખી લાલાની સેવામાં શતાયુ સત્સંગનો લાભ આપતા રહો એ પ્રાર્થના... હરિ ૐ તત્સત્ ।
    કાંતિલાલ પરમાર
    હીચીન
    kantilal1929@yahoo.co.uk

    ReplyDelete
  7. કલ્યાણી વ્યાસ19 December, 2011 16:10

    તમારી વાત સાચી છે ભજન નો લાહવો તો જેણે તે માણ્યો હોય તે જ જાણે. i really miss my bhajan mandal in mumbai. ઢોલના તાલે એક જ રીધમમાં વાગતી તાળીઓના તાલે ગવાતા ભજનો ખરેજ આપણને આપણી બધી જ વ્યાધીઓ ભુલીને ચિત્તને એકાકાર કરી દે છે. તમે ભજનનો બ્લોગ બનાવ્યો તે માટે અભિનંદન.

    ReplyDelete
  8. આજનો દિવસ મારા માટે રોમાંચ નો જ રહ્યો કહેવાય
    પહેલા સાંભળ્યો આપનો કંઠ અને પછી વાંચ્યો સરળ અને પ્રવાહી ભાષામા આપનો પરિચય . ખૂબ આનંદ થયો . સ્વામિજી ની ગુજરાતી ઓટો બાયોગ્રાફી વર્ષો પહેલા વાંચેલી અને એ અલ્લડ શિષ્ય ને ગુરુ એ ક્યાંથી ક્યાં લાવી દીધો એ બધુ અત્યારે એકદમ યાદ આવી ગયુ ...હું પણ ધ્યાન માર્ગ નો પ્રવાસી પણ ઘરમા 'લાલા' ની પૂજા પહેલા દાદી ને પૂજા કરતા જોયા પછી મતુશ્રી અને હવે ભાભી મા (દુર્ભાગ્યે ત્રણેય વિધવાઓ ). કુટુંબ પરંપરાએ 'લાલો' અને સુદર્શનધારી બન્ને મારા સહજ મિત્ર બન્યા .
    વધુ કોઈવાર મળાય તો વાત કરીશ . પ્રવિણ ભાઈ નો ખૂબ આભાર એમેને ફેઈસબૂક પ્પર મેસેજ મૂકુ છુ પણ આપ પણ કહે જો

    ReplyDelete
  9. great spiritual contents
    congratulation

    ReplyDelete
  10. Congratulations Minaben Tamaru Mandal Khub Pragati Kare Tevi Lala Ne Hriday Purvak Prarthna.
    Best Bhajan Mandal...

    ReplyDelete
  11. Congratulations Minaben Tamaru Mandal Khub Pragati Kare Avi Lala Ne Hriday Purvak Prarthna.
    Best Bhajan Mandal.

    ReplyDelete
  12. Thank u very much ...

    Mara aa blog par Bhajan ni vedio clips no visit kari Bhajan sambhdi shaksho..

    ReplyDelete
  13. મીનાબેન પી. ઠક્કર દ્વારા ભાગવત કથા

    પોથી યાત્રા અને શ્રીમદ્ ભાગવત્ કથાનો આરંભ - ભાગવત નું મહાત્મ્ય. *પ્રથમ દિવસ (ભાગ-૧)*
    https://www.youtube.com/watch?v=MwCch5G32Ko&t=1411s

    શ્રીમદ્ ભાગવત્ કથા - *પ્રથમ દિવસ (ભાગ-૨)*
    https://www.youtube.com/watch?v=GnRFOJ8hxTo

    શ્રીમદ્ ભાગવત્ કથા - *બીજો દિવસ - સ્કંધ 1,2,3* - વરાહ અવતાર & કપિલ નારાયણ અવતાર
    https://www.youtube.com/watch?v=sSoycsY35hM&t=277s

    શ્રીમદ્ ભાગવત્ કથા - *ત્રીજો દિવસ - સ્કંધ 4,5,6,7* - (નૃસિંહ અવતાર)
    https://www.youtube.com/watch?v=Ut2dnZXLuts&t=151s

    શ્રીમદ્ ભાગવત્ કથા - *ચોથો દિવસ - સ્કંધ 8-9-10* (ગજેન્દ્ર મોક્ષ & સમુદ્ર મંથન & શ્રી વામન અવતાર & શ્રી રામ જન્મ & નંદ મહોત્સવ )
    https://www.youtube.com/watch?v=1dMTU632j94&t=16457s

    શ્રીમદ્ ભાગવત્ કથા - *પાંચમો દિવસ - સ્કંધ 10* (લાલાની લીલાઓ & ગિરીરાજ ધરણ લીલા )
    https://www.youtube.com/watch?v=o7MB6xRWnk4&t=679s

    શ્રીમદ્ ભાગવત્ કથા - *છઠ્ઠો દિવસ - સ્કંધ 10* ( રાસ લીલા & ભગવાનનું મથુરા ગમન અને કંસ વધ & રુક્ષ્મણિ વિવાહ )
    https://www.youtube.com/watch?v=BKPv26I8_b4&t=6s

    શ્રીમદ્ ભાગવત્ કથા - *સાતમો દિવસ - સ્કંધ 10, 11, 12* ( સુદામા ચરિત્ર & ઉષા અને અનિરૂધ્ધના વિવાહ & ભગવાનનું સ્વધામ ગમન & શુકદેવજીની વિદાય & પરિક્ષિત મોક્ષ & કળીયુગના લક્ષણો & કથા વિરામ)
    https://www.youtube.com/watch?v=4eeyAsh2Tm4&t=2310s

    ReplyDelete