Saturday, July 2, 2011

કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ...




ટી.વી. પર આવતી અડધા કલાકની સીરીયલમાં લગભગ સાત મિનિટની જાહેરાતો અને ત્રેવીસ  મિનિટની સીરીયલ હોય છે.

સાત મિનિટની જાહેરાત એકસાથે નહીં પણ બે ત્રણ ટુકડામાં હોય છે.


સાત મિનિટની જાહેરાતના એવા બે થી ત્રણ ટુકડામાં થઇને લગભગ પચ્ચીસ થી પંત્રીસ જાહેરાતો હોય છે.


એક એક જાહેરાત માત્ર સાત થી દશ બાર સેકંડની જ હોય છે.

સીરીયલની વાર્તા આતુરતાથી જોવાય છે. તેથી વિપરીત, જાહેરાતો મન વગર જોવાતી હોય છે !!

એવી મન વગરની જોવાતી એક જાહેરાત એક વખત પ્રસારીત કરવાના ખર્ચરૂપે કંપનીઓ લાખો રૂપિયાખર્ચે છે !!

તેનું કારણ મનના તાતારંગ છે. મનના તાતારંગ કેવી રીતે કામ કરે છે; તેની જાહેરાતવાળાઓને ખબર છે.


કોઇ પીણાંની આકર્ષક જાહેરાત માત્ર પાંચ કે સાત સેકંડ માટે જ પ્રસારીત થતી હોય છે. પછી બીજી જાહેરાતો પણ આવે. પાછી મુખ્ય સીરીયલ તો ખરી જ. એમ આ બધામાં પીણાંની આકર્ષક જાહેરાત તો ભૂલાઇ જ જવાની !! સ્વાભાવિક જ છે.

પરંતુ, ઘેર મહેમાન આવવાના હોય, અને સ્વાગત માટે અગાઉથી કોલ્ડ ડ્રીંક્સ લાવી રાખવા માટે વ્યક્તિ બજારમાં કોલ્ડ ડ્રીંક્સ લેવા જાય ત્યારે, ઘણાં બધા કોલ્ડ ડ્રીંક્સ જોઇને નિર્ણય કરવામાં તે મૂંઝાઇ જાય કે કયું પીણુ લઇ જવું

ત્યારે ભૂતકાળમાં કોઇક કાળે જોવાયેલી પાંચ સાત સેકંડની પેલી આકર્ષક જાહેરાતની ઘરબાયેલી સ્મૃતિઓ એને અનુરૂપ સમયે ડોકાઇને બહાર આવી જ જવાની. 


એકાએક જ મનમાં ઉભરીને જાગૃત થઇ જશે અને મનના કોઇક અગોચર ખૂણે ઘરબાયેલી તે સ્મૃતિઓની પડેલી છાપો મન પાસે નિર્ણય કરાવશે. અને વ્યક્તિ તે જાહેરાત વાળી જ કોલ્ડ ડ્રીંક્સની બોટલ ખરીદી લેશે. આ બધું ક્ષણના અમુક અંશમાં બની જતું હોય છે!!

આમ, મનમાં કઇ પળે શું પેસી જાય અને તે ઘરબાયેલી સ્મૃતિ આપણાં કાર્યોને ક્યારે અને કેવી રીતે દોરવણી આપીને કઇ ઘટના ઘટાવશે; તે એક પ્રક્રીયા છે. આ પ્રક્રીયા, ગુપ્ત અને સુપ્ત છે પણ સમજી શકાય કે કેમ ? ગમે તે હોય પણ-સમજવા જેવી છે !! આ પ્રક્રિયાને સંસ્કરણની પ્રક્રિયા પણ કહેવાય છે. આપણાં સંસ્કારો આવા ઘણાં અવલોકનો પછી પડતા હોય છે-સ્વાભાવિક રીતે જ!!

મનમાં પેસેલો વિચાર ક્યારે અણુબોમ્બ બની જાય અને કાર્યરત થઇ જાય તેની ગતાગમ આપણને જોઇએ એવી પડતી નથી.

આ બાબત ઉપર આપણું નિયંત્રણ જોઇએ એવું હોતું નથી. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આ બધા આપણાં પર કબજો જમાવી બેઠા હોય છે.

આ મત્સર ઉપર આપણો કાબુ હોતો નથી. ભલભલા શાણા અને ડાહ્યા માણસો પણ ખરે વખતે ભૂલ કરી બેસતા હોય છે. 


તેથી વિપરીતઃ- જ્યારે મનમાં સારા વિચારોને પેસવા દીધા હોય તો એ સારા વિચારો પણ જિંદગીના વસમા સમયમાં એ વિચારો જીવવાનું બળ આપે. જીવન જ્યારે કસોટીની એરણ પર ચઢે ત્યારે આપણે આપવાના પ્રત્યાઘાતોને દોરવણી આપતું ભાથું પણ મનમાં અગાઉથી જ જમા થયેલું હોય. જેટલું સારુ ભાથુ હશે તેટલી સ્વાભાવિક્તાથી જ કસોટીના સમયે વરતાઇ જવાશે. માટે જ અનેક ભક્તો કહે છે કે, હૈયે હશે તે હોઠે આવશે અને મહાવરો હશે તો મોંઢે ચઢશે. 


ભજન અને આખ્યાન દ્વારા સંભળાયેલા સદગુણોને ખીલવાનારા શબ્દો મનમાં અજાણતાં જ ઉતરી જતા હોય છે. અલબત્ત ગુપ્ત અને સુપ્ત રીતે જ. અને એ બધું આપણાં કાર્યોને દોરવણી આપી શકે જ છે.  આ કોઇ અંધશ્રધ્ધાની બાબત નથી. આ એક ગુપ્ત અને સુપ્ત મનની પ્રક્રીયા છે. મન દરેક પળે કેળવાતું જ રહે છે.

તે કંઇ નરી આંખે જોઇ શકાય કે, દલીલો દ્વારા તર્કથી તેને પુરવાર કરી શકાય, સાવ એટલી સરળ બાબત આ નથી, - થોડી બારીક બાબત છે. ભજન અને ભક્તિ એમાં ઘણું મદદરૂપ થતું હોય છે. સમૂહમાં રહીને બધાને નિસ્વાર્થ પ્રેમ કેમ કરવો; તે શીખવાનો લાભ ભજનથી મળી શકે છે.


પુનિત મહારાજે તેમના એક ભજનમાં શબ્દો ગૂંથ્યા છેઃકીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળું.

સઘળુ સંભાળતો હો, મારો રણછોડિયો,
ચાલી ચલાવે મને પુનિત પંથમાં,
ચાલી ચલાવે મને ભક્તિના પંથમાં
ભુલ કરુ ત્યારે બુધ્ધિને ફેરવે,
સાથે સાથે ચાલતો હો, મારો રણછોડિયો,
હાથને ઝાલતો હો, મારો રણછોડિયો,
દુઃખોના દરીયે, પુનિત બેટ છે.

બેસી જવનો હો, એક જ આધાર છે.
કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ..
  • પુનિત મહારાજના આ શબ્દો સાવ સરળ છે. દિલમાં ઉતરી જાય તેવા.
  • અનુભવસિધ્ધ બાબતોને કારણે રચાયેલા અને સીધા જ દિલમાંથી નીકળેલા હોવાથી અપનાવવા જેવી સાચી જીવનની ફીલોસોફી તેમાં ભરેલી છે.
  • મને ગમતાં ભજનોમાંનું એક આ ભજન છે. આ ભજન ગવાય ત્યારે, ભજનમાં એક પ્રકારની રમઝટ આવી જતી હોય છે. બધું રણછોડિયાને સોંપીને હળવાફૂલ થઇને નિષ્ઠાપૂર્વક આમ કહી દેવામાં આવે તો, કેટલી મઝા આવે છે!! શબ્દોથી તેનું સંપૂર્ણ નહીં તો થોડું વર્ણન તો થઇ શકે. આ તો અનુભૂતિની વાત છે. 
  • ભજન માણ્યાં પછી આવી અનુભૂતિને શબ્દોનું સ્વરૂપ આપવાનો પ્રયાસ મારા પતિદેવના મિત્ર શ્રી સુરેશભાઇ જાનીએ કર્યો છે. મુરબ્બીશ્રીએ ભજનની મસ્તીની થોડી વાત કરી છે. વાંચોઃhttp://minabenpthakkar.blogspot.com/p/blog-page_02.html  
  • આપ ભજન-આખ્યાનમાં પધારીને અનુભૂત કરી જુઓ
  • કોઇના પણ ભજનમાં જઇને આ અનુભવો દ્વારા મનમાં ચીલા પડવા દેવા જેવા હોય છે.
કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ..

Wednesday, April 6, 2011

રડતી રહે છે દાડી(રોજ), બાળક વિનાની માડી

સંત શ્રી ‘પુનિત’ મહારાજ ની રચના આ લખાણને અંતે મુકુ છુ. જેના શબ્દો ઉપર શીર્ષકમાં છે તે જ છે...જે નંદ મહોત્સવના કાર્યક્રમમાં સામેલ હોય જ!

નંદ-મહોત્સવ અને જન્મદિવસના ભજનો રહેતા હોય છે.

આપણા સમાજની રચના જ એવી હોય છે કે, સંતાન ના હોવાની બાબતને અભિશાપ ગણવામાં આવે છે. જોકે એવી કંઇક ગેરસમજો પ્રવર્તતી હોય છે. દિકરીના જન્મ વખતે ઘણાં માતા-પિતા બહુ ખુશ નથી થઇ શકતા. એટલે જે તે સમાજને અને નંદ મહોત્સવમાં આવતા પ્રસંગને અનુરૂપ રહીને ભજન શ્રી પુનિત મહારાજે રચ્યું હશે.

સંતો- ભક્તોની વાતોને સમજવા કેળવાયેલું મન જો કે હોવું બહુ જરૂરી છે. સંત શ્રી પુનિત મહારાજે એક ભજન એવું પણ રચ્યુ છે કે, ‘સંતાને નહીં સુખ જગમાં....’ ક્યારે મુકીશ આ ભજન પણ..

હું (ભજન આખ્યાનમાં) કહુ છુ કે, યોગ્ય સંતાનો હોય તો, જીવનનો ભાર રાખ્યા વગર બધુ તેમને સોંપીને ભજન ભક્તિમાં જોડાઇ જવાનું સરળ અને શક્ય બની શકે એ ઇશ્વરની કૃપા છે. અને જો સંતાનો યોગ્ય ના હોય તો એમની માયામાં ના ફસાતા પર થઇને ભજન ભક્તિમાં જોડાઇ જવાનું સરળ અને શક્ય છે. ભગવાન જેમ રાખે તે જ યોગ્ય.  

કોઇની સલાહથી વર્ષો પહેલાં સંતાન ગોપાલના મંત્રો સંતાન એષ્ણામાં સાચા દિલથી અને નિષ્ઠાથી કરેલા. છતાં, લૌકિક સંતાનની જવાબદારીથી ‘લાલા’ એ અમને મુક્ત રાખ્યા છે. આવી કોઇ વાત નીકળે ત્યારે હું કહુ છુઃ સંતાન ગોપાલના મંત્રો કર્યા એટલે અ-લૌકિક સ્વરૂપે ‘લાલો’ અમારે ઘેર આવ્યો છે. અમારો ‘લાલો’ એકલપેટો અને અને એવો જબરો છે કે, બીજા કોઇ લૌકિક લાલાને ‘એણે’ આવવા જ ના દીધો. બસ હું એકલો જ લ્હેર કરૂ!! મમ્મીને લઇને રોજે રોજ એને રખડવાનું !! અને નંદ મહોત્સવ પણ કરવાના!! બસ ‘લાલા’ ને મઝા જ મઝા !! અને મમ્મીને પણ ખરી !

‘પિતાશ્રી’ ના શીર્ષકવાળી એક પીડીએફ ફાઇલ મારા પતિના મિત્રએ તેમને ફોરવર્ડ કરી. માતાની સરખામણીએ પિતાની વ્યથાનો તેમાં ઉલ્લેખો છે. કેટલાંક અંશો...
  • પોતાના બાળકો માટે સર્કસનો જોકર કે ઘોડો બની જવામાં પિતાને સંકોચ નથી થતો.
  • પોતાને માટે આનંદની બાબત હોય તો, સ્મિતથી વધારે પ્રતિભાવ નથી દર્શાવતા. અને એવી પળોમાં પિતા તરીકેનું તેમનું વ્યક્તિત્વ અદૃશ્ય થઇ જાય છે.પુત્ર બહાર ગયો હોય અને થાય કે લાવ તેનો રૂમ અસ્ત-વ્યસ્ત છે તો જરા સાફ કરી લઉ. અને પિતાએ જુએ કે, ઓશીકા નીચે સીગરેટનું પેકેટ હતું. પિતા તેમ છતાં બીજે દિવસે જમતી વખતે કશું જ બન્યુ ના હોય એમ અજાણ બની જમી લે છે પણ તેમની લાચાર અને દયાજનક સ્થિતી છુપાવવા છતાં છુપાતી નથી.
  • માતાની સરખામણીમાં પિતાને હંમેશા ભૂલી જવામાં આવતા હોય છે. પરદેશ ગયેલો પુત્ર પત્ર લખે ત્યારે સૌ પ્રથમ મમ્મીનું સંબોધન પહેલું કરે અને પિતા માટે તો માત્ર થોડાક જ શબ્દો તેમાં હોય. ત્યારે એ પત્રને ખાનગીમાં વારંવાર પિતા વાંચે છે. અને એ થોડા શબ્દોને ઘણાં કરવા એકાંતમાં મથતો રહે છે. ત્યારે એકાંતમાં પણ પોતાનો ચહેરો લાચાર અને દયામણો લાગતો હોય ત્યારે ચહેરાની રેખાઓ ભાવુકતાની ચાડી ખાઇ ના જાય તેની નિષ્ફળ કોશિશ એકાંતમાં પણ પિતા કરતો રહે છે. 
  • થયેલી અવગણનાને ગણકાર્યા વગર આત્મવિશ્વાસ જાળવી રાખવા મથતા પિતાની આંખમાં કરૂણા જ વહે એમ માનતા પિતા છેવટે તો લાચાર જ લાગતા હોય છે. 
  • વર્ષો પછી અનુભવ્યુ કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ ઝીલીને આપણને છાંયો આપે છે. 
મારા પતિએ આવું વાંચીને નીચે મુજબ પ્રત્યુત્તર આપ્યો.  

આભાર પિતાશ્રીની વ્યથા કથા બદલ...

મૈં કબસે તરસ રહા થા,
મેરે આંગનમેં કોઇ ખેલે,

અને અચાનક એક દિવસ...
ગુપ્ત અને સુપ્ત રીતથી કોઇ કહી ગયું
તમારા ‘લાલા’ની ‘ઇન્ટ્રો’ તો કરાવો..

અને બસ,  કહ્યુ કે,

  • લાલાના ઓશીકા નીચે મળેલું સીગારેટનું ખોખુ, જલતી સીગરેટ દઝાડી જાય તેમ ‘મારો લાલો’ દઝાડતો નથી.
  • મમ્મીને વધારે વ્હાલ કરતા લાલાને જોઇને પપ્પા ખાનગીમાં લાચાર થઇ જવામાંથી બચી જાય છે. 
  • સર્કસનો ઘોડો કે હવા ભરેલો ફુગ્ગો બનવાની ફરજ લાલો પાડતો નથી. મમ્મીનું સંબોધન પહેલું કરી નાંખી ને લાલો પપ્પાને દયામણા બનાવી દેતો નથી. પણ..

તો પછી લાલો કેવો છે, એ તો કહો...


લાલાની મમ્મી ભજનમાં ‘એ’ના ગુણ-ગાન ગાતી હોય, અને બધા નાચી - અને ઝૂમી ઉઠતા હોય, ત્યારે હર્ષના એ આંસુ છુપાવવાનું પપ્પા માટે અઘરૂ થઇ પડે છે!!
  • છુપાવવાનું શું ?
  • લાલાએ જગાવેલા સાચા સ્નેહને દુનિયા ભક્તિના બદલે દંભ ના ગણી લે તે માટે જ તો?
 
ક્યારેક મઝાક કરવા મમ્મી લાલા માટે ભજન ગાય કે , ‘જીવનભરનો કપટી તું નારાયણો જો...ઉપર કાળો હૈયુ કાળુભીંત જો.. ’ અને પપ્પાનું હૃદય પોકાર કરી ઉઠે...એક ચીસ મોટા અવાજે પોકાર કરી ઉઠે...
 

સંત શ્રી પુનિત મહારાજનું આ ભજન...

રડતી રહે છે દાડી, બાળક વિનાની માડી,
અવતાર ઓશીયાળો, ટુકડાની અધિકારી,
ફળ-ફૂલ વિનાની વાડી, બાળક વિનાની માડી,
રહે એકલી અટૂલી, ઝાંખી દીસે મઢૂલી,
ઘોડા વગરની ગાડી, બાળક વિનાની માડી,
રડતી કહે છે દાડી, બાળક વિનાની માડી,
જીવતા રહે અંધાપા બાળક વિનાના બાપા,
જો પુત્ર હોય પ્‍યારા ઘડપણ તણા સહારા.
ટેકા વગરના ફાંફા, બાળક વિનાના બાપા,
ના થાય વંશ વૃધ્ધિ, રઝળે બધી સમૃધ્ધિ,
વાસેલ ઘરના ઝાંપા, બાળક વિનાના બાપા,

આ ભજનના લેખક સંત શ્રી પુનિત મહારાજે જે તે આખ્યાનને અનુરૂપ આ ભજન રચેલું છે.
બાકી તો સંતો ભક્તો તો ‘ભલુ થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ’ - નરસિંહ મહેતા









Saturday, March 12, 2011

ભક્તિયોગ - શ્રીમદ્ ભાગવદ્ ગીતા

શ્રીમદ્ ભાગવદ્ ગીતાના અધ્યાય-૧૨, ભક્તિયોગ, ને મારા પતિદેવે સમજવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે કરેલું કામ બ્લોગ પર મુકુ છુ. મૂળભુત શ્લોક વાદળી અક્ષરોમાં અને લીલા અક્ષરોમાં  મારા પતિદેવે કરેલ ભાવાર્થ છે. અધ્યાય-૧૨ માં કુલ ૨૦ શ્લોક છે. તે પૈકીના પાંચ શ્લોકની વિગતો હાલ પુરતુ મૂકવામાં આવી છે.


૧.અર્જુન બોલ્યાઃ

જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યુ એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો, કે જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મને જ ઘણાં ઉત્તમ ભાવે ભજે છે – એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેત્તા કોણ છે?
--------
અર્જુન ભગવાનને સચોટ પ્રશ્ન પૂછે છે અને બે વિકલ્પો આપે છેઃ-

(૧) સગુણ સ્વરૂપને ભજનારા, અને (ર) નિરાકાર સ્વરૂપને ભજનારા,

એ બે પૈકી વધુ ચઢિયાતા કોણ છે?

જેણે જ્ઞાન જોઇતું હોય તેમણે આવી સ્પષ્ટ અને સચોટ વિચારસરણી કેળવવી જોઇએ.


પોતાનો પ્રશ્ન સચોટ ત્યારે જ હોય કે જ્યારે વ્યક્તિ પોતે વિચારશીલ હોય અને તેનામાં જિજ્ઞાસાવૃત્તિ હોય.


કદાચ આપણામાં અર્જુન જેવી જિજ્ઞાસાવૃત્તિ ના પણ હોઇ શકે; તો કોઇ વાંધો નહીં. પરંતુ અર્જુને જે જે પ્રશ્નો પુછ્યા છે, અને ભગવાને તેના જે જે જવાબો આપ્‍યા છે, તેને આપણે ધ્યાનથી સાંભળીને ગ્રહણ કરીએ તે પણ પુરતું છે.


ટૂંકમાં અર્જુનનો પ્રશ્ન છેઃ- સગુણ સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ એ બે પૈકી કયા સ્વરૂપને ભજનારા વધુ ચઢિયાતા છે.

ર. શ્રી ભગવાન બોલ્યાઃ
મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા-પચ્યા(ૐ) રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રધ્ધાભાવથી યુક્ત થઇને મુજ સગુણસ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગીરૂપ માન્ય છે.
---------
(ૐ) એટલે કે ગીતાના અધ્યાય ૧૧ ના શ્લોક ૫૫ માં કહ્યુ છે એ પ્રકારે નિરંતર મારામાં રચ્યાપ્ચ્યા રહેનારા.
અ.૧૧ શ્લોક-પપઃ- હે પાંડુપુત્ર ! જે કેવળ મારે જ ખાતર સઘળાં કર્તવ્ય- કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રણીઓ પ્રત્યે વેરભાવથી રહિત(+) છે, એ અનન્યભક્તિયુક્ત માણસ મને જ પામે છે.
(+)સર્વત્ર ભગવદબુદ્ધિ થઇ જવાને લીધ એ માણસનો અતિ અપરાધ કરનારાઓમાં પણ વેરભાવ નથી હોતો, પછી બીજામાં તો કેહવાનું જ શું હોય !
---------
ભગવાન મુદ્દાસર જવાબ આપે છે. સગુણ સ્વરૂપે ભજનારા ચઢિયાતા છે.


યાદ રહે કે, અર્જુનનો પ્રશ્ન ચઢિયતા કોણ; તેના વિષે છે. પ્રભુ અહીં સગુણસ્વરૂપને ભજનારા ચઢિયાતા હોવાની વાત કરે છે. પણ ભગવાન અહીં સગુણસ્વરૂપને ભજનારાઓના લક્ષણો કેવા હોવા જોઇએ; તેનું વિવરણ પણ કરે છે. ભગવાન કહે છેઃ-


(૧) મારે જ ખાતર બધા કર્મો કરનારા,
(ર) આસક્તિ વિનાના તથા,
(૩) વેરભાવરહિત હોય

- તેવા ભક્તો સગુણ સ્વરૂપને ભજે છે;  - તેને પ્રભુ ચઢિયાતા ગણે છે.


ભગવાન અગત્યની વાત કહે છે કે,
(૧) મારામાં મનને પરોવીને
(ર) મારામાં રચ્યા પચ્યા રહેનારા
(૩) અડગ શ્રદ્ધાભાવથી જેઓ સગુણસ્વરૂપને ભજે છે તેઓ ચઢિયાતા છે.
(૪) કેવળ મારે ખાતર બધા કર્મો કરનારા
(પ) મારે પરાયણ
(૬) આસક્તિ વિનાના
(૭) વેરભાવરહિત એવા અનન્યભક્તિયુક્ત હોય તે મને પામે છે.

૩-૪. શ્રી ભગવાન કહે છેઃ
પરંતુ, જે ભક્તો, ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન-બુધ્ધિથી પર, સર્વવ્યાપક, કોઇ પણ રીતે નિર્દેશ ન થઇ શકે એવા, સદા એકરસ રહેનાર, નિત્ય, અચળ, નિરાકાર, અવિનાશી સચ્ચિદાનદધન બ્રહ્મને નિરંતર એકાત્મભાવે ધ્યાન કરતાં ભજે છે, એ સઘળાં ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાનભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે.
---------
સગુણ સ્વરૂપને ભજનારાઓને ચઢિયાતા ગણાવ્‍યા પછી ભગવાન નિરાકાર સ્વરૂપને ભજનારાઓ વિષે પણ કહે છે. અર્જુનના પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપ્‍યા પછી ભગવાન એટલા માટે નિરાકાર સ્વરૂપને ભજનારાઓ વિષે સ્પષ્ટતા કરે છે કારણ કે નિરાકાર સ્વરૂપને ભજનારા પણ પ્રભુને પામે તો છે જ.


ભગવાન આ સ્પષ્ટતા ન કરે તો નિરાકાર સ્વરૂપને ભજનારા વિષે પૂર્વાગ્રહ ઉભો થાય. માટે ભગવાન નિરાકાર સ્વરૂપને ભજનારાઓ માટે કોઇ ગેરસમજ ઉભી થવાનો સંભવ ના રહે માટે સ્પષ્ટતા કરે છે.


નિરાકાર સ્વરૂપને ભજનારા માટે ભગવાન કહે છે કે, સચ્ચિદાનંદધન બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન કરીને ભજનારા યોગીઓ મને પામે છે.


ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને –દરેક જીવ પ્રત્યે સમાનભાવ રાખનારા - જેનું વર્ણન ના થઇ શકે તેવા નિત્ય, અચળ, નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદધન બ્રહ્મને - સતત અને સતત એકાત્મભાવથી ભજનારા - યોગીઓ પણ ઇશ્વરને પામે છે.

૫. શ્રી ભગવાન કહે છેઃ
પણ, સચ્ચિદાનંદધન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે; કારણ કે, દેહભિમાનીઓ વડે અવ્યક્તવિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત્ દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે.
-----------
નિરાકાર સ્વરૂપનું ધ્યાન કરનારા માટે પ્રભુ ઉમેરે છે કે, તેવી સાધનામાં શ્રમ વધુ છે.


આંખને નિત્ય નવા દૃશ્યો જોવા ગમે, કાનને રોજે-રોજ નવું સાંભળવાનું ગમે, જીભને નવા નવા સ્વાદ ચાખવાનું મન થાય, આમ ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્મુખી હોવાથી ઇન્દ્રિયો વ્યક્તિને બહિર્મુખી બનાવે છે. આ જગતની રચના જ ઇશ્વરે માયામય કરી છે.


બહાર વહેતી શક્તિની ધારાઓને અંકુશમાં લઇ, ભટકતા મનને વશ કરીને, ઇન્દ્રિયો મારફત વેડફાતી શક્તિની ધારાને ઉલટાવીને, માયામાં વપરાતી શક્તિને અંદર તરફ વાળીને, અંતર્મુખી બનીને ઇશ્વરમાં મનને પરોવવું; તે ઇશ્વરસાધના માટે અનિવાર્ય છે.


પરંતુ, ઇન્દ્રિયોનો સ્વભાવ જ વ્યક્ત થયા કરવાનો છે. ત્યારે તેથી વિપરીત, કોઇ પણ વ્યક્તિ માટે અંતર્મુખી થઇને પોતાના મનની અ-વ્યક્તવિષયક ગતિ પ્રાપ્ત કરવાનું કઠીન છે. જેથી અ-વ્યક્તવિષયક ગતિ પ્રાપ્ત કરવામાં ભક્તને શ્રમ વધુ છે-તેમ ભગવાન કહે છે.


આપણામાં દેહાભિમાનનું હોવું; તેને સારા અને ખરાબ એ બેમાંથી એકેય દૃષ્‍ટિકોણથી મૂલવવાની ઝંઝટમાં પડવા જેવું નથી. લઘુતાં કે હિણપતમાં ય પડવા જેવું નથી અને દેહાભિમાનને પંપાળીને મોટુ બનાવવામાં ય સાર નથી.


પરંતુ, દેહાભિમાન રહે જ તેવું માયામય જગત ભગવાને જ બનાવેલુ છુ – અને દેહાભિમાનને કારણે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે, એમ ભગવાન કહે છે.

Tuesday, February 15, 2011

કોને મારે કહેવી આ વાત (રાગઃ શિવરંજની)

(રાગઃશિવરંજનીઃઆ તો મારા માડીના રથનો રણકાર)

કોને મારે કહેવી આ દિલડાની વાત
તારા વિના તો પ્રભુ કોણ મારું સાંભળે
રોજ મારા અંતરમાં થાતો ઉચાટ
તારા વિના તો પ્રભુ કોણ મારું સાંભળે


સગા અને વ્હાલા મેં તો જોયા સહુ સ્વારથી
છોડી ગયા મેલીને મારો સંગાથ... તારા વિના તો....


મનમાં ને મનમાં હું તો મૂંઝાઉં છું એકલો
આંસુભરી આંખે આ મારી ફરિયાદ... તારા વિના તો....
જોયું નથી સુખ જૂઠા ઝાંઝવાના નીરમાં
ચારે બાજુ સળગે છે દુખડાની આગ... તારા વિના તો....


જગની માયામાં હવે ચિત્ત નથી લાગતું
‘બિંદુ’ કહે ક્યાં સુધી સહેવા સંતાપ... તારા વિના તો....

આવો સૌ આનંદ કરો

(રાગઃ બંબઇ સે આયા મેરા દોસ્ત)

આવો સૌ આનંદ કરો,
ભાવથી ભજન કરો
દીવો આજે દીલમાં કરો,
ભાવથી ભજન કરો.


જોબનીયું જોતામાં જાશે,
ઘડપણ આવીને ઘેરાશે
ઉંમરા ડુંગરા થાશે,
આંખે નહીં દેખાશે
પાણી પહેલાં પાળ કરો,
ભાવથી ભજન કરો... આવો


મનની તો મનમાં રહી જાશે,
પાછળથી પસ્તાવો થાશે
દીકરાના દીકરા કેસે,
ડોશો ક્યારે જાશે
દાન તમે જાતે કરો,
ભાવથી ભજન કરો... આવો


બાંધેલા બંધનને છોડો,
બંસીવાલે કી જય બોલો
અંતરની આંટી ઉકેલો,
માયાના પડદાને ખોલો
કાયા તમે કુરબાન કરો,
ભાવથી ભજન કરો... આવો


ભક્તિની ગંગામાં ન્હાવો,
નાચી કુદીને સૌ ગાવો
તનના તંબુરા સજાવો,
લઇ લ્યોને લાખેણો લ્હાવો
‘બિંદુ’ બની સૌમાં ભળો,
ભાવથી ભજન કરો... આવો

Monday, February 14, 2011

પ્રભુ મારા રૂદિયામાં આવીને રહેજો

(રાગઃ સો સાલ પહેલે મુઝે તુમસે પ્યા ર થા..)

પ્રભુ મારા રૂદિયામાં આવીને વસજો, આવીને વસજો,
મનમંદિરીયામાં આવીને રહેજો (ર)


મારી શ્રધ્ધા કેરી ઇંટો, એવી તો જડાવી દીધી,
તારી આશાઓના જળથી, એને તો સીંચી લીધી,
મારા મન મંદિરની ભીંતો, તારા નામે ચીતરી છે,
મધુર મધુર તારૂ નામ, મારા હાથે લખિયું છે.
એવા એ રૂડા રૂડા મનડામાં આવો, પ્રેમે પધારો,
મનમંદિરીયામાં આવીને રહેજો,
પ્રભુ મારા રૂદિયામાં આવીને ......

કંઇ કપટીઓના કપટે, હરી હું તો ફસાયો ‘તો
એક જ તારા નામે, હરી ષડયંત્રો તો તૂટ્યા,
કંઇ વર્ષો જૂની યાદો, ભડ ભડ બળતી ફરીયાદો
જનમો જનમના દ્વેષો, મારા જનમો જનમના રાગો
એ તો ટળ્યા છે હવે, થોડા થોડા રે, થોડા રે થોડા,
મન મંદિરીયામાં આવીને રહેજો
પ્રભુ મારા રૂદિયામાં આવીને વસજો..


મારા મન મંદિરનો વૈભવ, સોના રૂપાનો છે,
હરનિશ તારું નામ, મારા હૃદયે રમતુ રે
મન મંદિરના ઝરૂખેથી હું તને નિહળુ છુ
પા પા પગલી ભરતો મારો લાલો આવે છે
ભ્રમરોના ગુંજન કેરુ, નામ તારુ ગુંજે, નામ તારુ ગુંજે
મીના-પ્રવીણ તારા, નામમાં ડૂબે, નામમાં ડૂબે,
મન મંદિરીયામાં આવીને રહેજો
પ્રભુ મારા રૂદિયામાં આવીને વસજો..
             — પી. યુ. ઠક્કર

Friday, January 14, 2011

આજે મારા દિલમાં દિવાળી

(રાગઃ દીદી તેરા દેવર દિવાના)

આજે મારા દિલમાં દિવાળી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
રંગોળી પુરી છે રૂપાળી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)

કંકુ ચોખા લઇને વ્હાલમને વધાવુ
પ્રભુજીના પગલે હું ફુલડાં વેરાવુ
ધન્ય બની આંખલડી મારી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
આજે મારા....

સેવાની સામગ્રી સજાવી લીધી છે
રસોઇ મારા હાથે બનાવી દીધી છે
હરખે હરખે કીધી તૈયારી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
આજે મારા...

રોમે રોમે પ્રગટ્યા છે ઝગમગતા દીવા
જાણે આજે ‘મુકેશ’ ના ઘરમાં છે વિવાહ
પાવન થઇ છે ઝૂંપલડી મારી (૨)
મારે ઘેર પધાર્યા વનમાળી (૨)
આજે મારા...

જય ગજાનન

જય ગજાનન જય, ગજાનન ગણપતિ,
ચરણ કમળમાં, સ્થિર કરો મારી મતિ... જય ગજાનન

શિવ શક્તિના લાડીલા સંતાન છો...(૨)
સદા સુધારો કૃપા કરી મારી મતિ... જય ગજાનન

શુભ પ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું... (૨)
આપ ઇશારે કાર્યોમાં થાતી ગતિ... જય ગજાનન

જ્યાં જ્યાં મારી અક્કલ અટકી જાય છે... (૨)
ત્યાં ત્યાં આપ બતાવી દો મારા વતી... જય ગજાનન

રામભક્ત ને પુનિત લ્હાવા આપજો... (૨)
શરણે આવ્યો રિધ્ધિ સિધ્ધિના પતિ... જય ગજાનન