ભજન-રમઝટ Experience Sharing

મિત્રો મળ્યા – લાલાને વ્હાલાં

ગુજરાતી બ્લોગજગતના ‘દાદા’ (ડોસલા તરીકે નહીં, પણ ગુજરાતી બ્લોગજગતના ક્રીકેટમાં ભારે બેટ લઇને ડબલ અને ટ્રીપલ સેન્ચ્યુરી મારવાવાળા દાદા !! તેમના વાંચકો અને ચાહકો લાખો છે.), +૬૫ ની ઉંમર છતાંય હંમેશા તરોતાજા, યુવાનોની ચુસ્તી-સ્ફૂર્તીને શરમાવે તેવી તત્પરતા અને પ્રેમાળ એવા મુરબ્બી શ્રી સુરેશભાઇ જાનીની ડીસેમ્બર,૨૦૧૦ અને જાન્યુઆરી ૨૦૧૧ ની અમદાવાદની મુલાકાત દરમિયાન તેમના નિવાસસ્થાને યોજાયેલ ભજનના એક કાર્યક્રમની વિગતો તેમના બ્લોગ <http://gadyasoor.wordpress.com/2011/04/18/lala_vhala/> પર મૂકેલી છે...


એ વિગતો મુરબ્બીશ્રી સુરેશભાઇના શબ્દોમાં નીચે કોપી-પેસ્ટ કરી છેઃ- .  

મંજીરાની રમઝટ જમાવતા એ તો ભજનમાં તલ્લીન  થઈને બેઠા છે. એમનાં પત્ની મધુર રાગે એમના વ્હાલા લાલાનું ભજન ગાઈ રહ્યાં છે. કીબોર્ડ પર એક અને ઢોલક પર  બીજા સાજિંદા એમાં સૂર અને તાલ પૂરી રહ્યાં છે. સાથી ભજનિક બહેનો પણ દિલ દઈને ભજનમાં સાથ પૂરાવી રહી છે.

અને ત્યાં જ  એકાએક બે મહિલાઓ ધસી આવે છે.  ‘શું થયુ?’ એમ પૂછવા જાઉં એટલામાં તો એ બન્ને ભજનના તાલે નાચવા લાગે છે. એ છે – મારી બહેન ડો. દક્ષા જાની અને સાળાવેલી મિનાક્ષી ત્રિવેદી. સૌ શ્રોતાઓ આ મનને, દિલને મુગ્ધ કરી નાંખે તેવા માહોલમાં તલ્લીન બની જાય છે. આ નર્તનમાં હું અને મારા મોટાભાઈ ભરતભાઈ પણ જોડાય છે.

અમદાવાદ ખાતેની મારી નાનકડી મઢૂલી જેવા ‘રાજધાની પેલેસ’ (!) એપાર્ટમેન્ટમાં આ રમઝટ જામી છે. જોઈ લો એની બે ઝલક.



જામી છે ભક્તિરસની રમઝટ



બે બાંધવ પણ નાચ્યા

પણ કોણ છે – એ લાલાને વ્હાલાં ભજનકાર બહેન અને મંજીરા વાદક ? લો ..  એમને પણ જોઈ લો..



મીનાબેન ઠક્કર અને એમનો વ્હાલો લાલો



મંજીરા વગાડવામામાં લીન પ્રવીણ ઠક્કર

તમે ના જાણતા હો તો જાણી લો.
એ છે – શ્રી પ્રવીણ ઠક્કર અને શ્રીમતિ મીના ઠક્કર. પ્રવીણભાઈ મારા બ્લોગર મિત્ર છે. અનેક ફોન સમ્પર્કો છતાં અમે નહોતા મળી શક્યા. એથી મળવા આતૂર બનેલા પ્રવીણ ભાઈ નાનકડી માંદગીમાંથી ઊઠીને, બીજે દિવસે આર.ટી.ઓ.માં લાયસન્સ રિન્યુ કરાવી, થાકેલ હોવા છતાં,  મારા ફ્લેટ પર આવ્યા હતા. ત્યારે જ એમનો ચહેરો પહેલી વાર જોયો હતો.

ગુજરાત રાજ્યના સચિવાલયના આ ઓફિસરના જીવન અને અજીબોગરીબ મનોરાજ્યનો પ્રત્યક્ષ પરિચય મને એમની વાતો પરથી તરત  થયો. પોતાનાં  પત્ની, અને અમદાવાદમાં જાણીતા બનેલાં ભજનિક મીનાબેનને એમના પૂણ્યકાર્યમાં પ્રવીણભાઈએ જે સાથ આપ્યો છે; તે ઘણા ભારતીય ભાયડાઓ માટે પ્રેરણારૂપ બને તેમ છે. ઘણા વર્ષોના લગ્નજીવન બાદ પણ માતા ન બની શકનાર મીનાબેને યશોદાના લાલાને જ પોતીકો બનાવી દીધો; અને એ લાલાએ જ આપેલ મધુર સ્વરની લ્હાણ એમણે જનતાને કરવા માંડી. પ્રવીણભાઈ એવા અજોડ જીવનસાથી કે, એમણે પત્નીના આ મનોરાજ્યને મહોરવા દીધું એટલું જ નહીં;  પોતે પણ એમાં એકરૂપ બની ગયા. ઓફિસ કામ બાદ મળતા ફાજલ સમયનો આવો સદુપયોગ ભાગ્યે જ કોઈ કરતું હશે.

અને આ જીવન વૃત્તાંત જાણી સંકલ્પ ઉપજી આવ્યો – આ જુગલજોડીના ભજનથી મારા નાનકડા ઝુંપડાને પાવન કરું. પ્રવીણભાઈ તરત સમ્મત થઈ ગયા; અને ઉપર જણાવેલ, કદી ન ભૂલાય તેવો ભજન સત્સંગ અંગત સંબંધીઓ અને ખાસ મિત્રોની સંગમાં, મારા ઘરમાં યોજાઈ ગયો.  બધા મિત્રો અને સગાંઓનાં નામ આપી વાચક માટે રસક્ષતિ નથી કરતો. પણ, વાચકોને જાણીને સાનંદાશ્ચર્ય થશે કે. મારા વ્હાલીડા વલી’દા પણ  એમના કુટુમ્બના ત્રણ સભ્યો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. એમની ધર્મનિરપેક્ષતાને સો સલામ.
અને પછી તો અમારો સંબંધ વધારે ઘનિષ્ઠ બન્યો. એમને ઘેર જમવાનો અને અમદાવાદના પરાં, ઘોડાસરમાં યોજાયેલ એમના ભજનમાં  ભક્તિરસ માણવાનો લ્હાવો પણ મળ્યો.



પ્રવીણભાઈ અને મીનાબેન - એમના ઘરમાં



ભજનમાં તલ્લીન



ભક્તોનો ઉમંગ

ભૂતકાળમાં થોડેક જ દૂર નજર કરું તો…..
અમદાવાદ તરફ પ્રયાણ કરતાં પહેલાં મેં મિત્રોને આમ ખબર આપી હતી.
‘‘પ્રિય નેટ મિત્ર, 
     2005 ડિસે. પછી પાંચ વર્ષે અમદાવાદ આવવાનો પ્લાન છે. જેમને કદી જોયા નથી; એવા નેટ મિત્રોને રૂબરૂ મળવા મન થાય તે સ્વાભાવિક છે.’’
અને પ્રવીણભાઈએ તત્કાળ આમ પ્રતિભાવ પાઠવ્યો હતો.
‘‘એક મુરબ્બી (સ્વજન જ) હજારો ગાંઉથી આવવાના છે તે જાણીને ખૂબ ખૂબ આનંદ થયો છે. શબ્દોમાં વ્યક્ત થઇ શકે તેમ નથી. વેલકમ ઇન્ડીયા એન્ડ અમદાવાદ…ગુજરાત… ગુજરાત અમદાવાદની મુલાકાત લઇને ઘણું બધુ લખાવાનું મળશે.. અહીંની પ્રગતિને નજરે માણી શકાશે..’’
આ છે- અમદાવાદમાં પાંગરેલા અમારા મૈત્રીભાવનું બીજ.
એમના ભાવજગતની એક નિષ્પત્તિ -
મારો લાલો એવો છે, એ સૌનો વ્‍હાલો છે,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે
એના ગાલોમાં ખંજન, એની આંખોમાં અંજન.
એની આંખોમાં મસ્‍તી, એના હાસ્‍યમાં છે તોફાન.
એનું નામ જ કૃષ્‍ણ છે, એ કર્તા હર્તા છે,
રંગે એ શામળીયો, તો પણ એ રૂપાળો છે,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે
કુદરત આપણાં જીવનને શો આકાર અને દિશા આપે છે
– તે તો આપણા હાથમાં નથી હોતું.
પણ જે આવી પડ્યું હોય,
તેને હકારાત્મક વળાંક
આપણે જરૂર આપી શકીએ-


આ છે આ જોડીના જીવનની ફલશ્રુતિ.

તમને વ્હાલાં લાગ્યાં – આ ‘ લાલાને વ્હાલાં; બે જણ?’’
-સુરેશભાઇ જાની.

No comments:

Post a Comment