Saturday, July 2, 2011

કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ...




ટી.વી. પર આવતી અડધા કલાકની સીરીયલમાં લગભગ સાત મિનિટની જાહેરાતો અને ત્રેવીસ  મિનિટની સીરીયલ હોય છે.

સાત મિનિટની જાહેરાત એકસાથે નહીં પણ બે ત્રણ ટુકડામાં હોય છે.


સાત મિનિટની જાહેરાતના એવા બે થી ત્રણ ટુકડામાં થઇને લગભગ પચ્ચીસ થી પંત્રીસ જાહેરાતો હોય છે.


એક એક જાહેરાત માત્ર સાત થી દશ બાર સેકંડની જ હોય છે.

સીરીયલની વાર્તા આતુરતાથી જોવાય છે. તેથી વિપરીત, જાહેરાતો મન વગર જોવાતી હોય છે !!

એવી મન વગરની જોવાતી એક જાહેરાત એક વખત પ્રસારીત કરવાના ખર્ચરૂપે કંપનીઓ લાખો રૂપિયાખર્ચે છે !!

તેનું કારણ મનના તાતારંગ છે. મનના તાતારંગ કેવી રીતે કામ કરે છે; તેની જાહેરાતવાળાઓને ખબર છે.


કોઇ પીણાંની આકર્ષક જાહેરાત માત્ર પાંચ કે સાત સેકંડ માટે જ પ્રસારીત થતી હોય છે. પછી બીજી જાહેરાતો પણ આવે. પાછી મુખ્ય સીરીયલ તો ખરી જ. એમ આ બધામાં પીણાંની આકર્ષક જાહેરાત તો ભૂલાઇ જ જવાની !! સ્વાભાવિક જ છે.

પરંતુ, ઘેર મહેમાન આવવાના હોય, અને સ્વાગત માટે અગાઉથી કોલ્ડ ડ્રીંક્સ લાવી રાખવા માટે વ્યક્તિ બજારમાં કોલ્ડ ડ્રીંક્સ લેવા જાય ત્યારે, ઘણાં બધા કોલ્ડ ડ્રીંક્સ જોઇને નિર્ણય કરવામાં તે મૂંઝાઇ જાય કે કયું પીણુ લઇ જવું

ત્યારે ભૂતકાળમાં કોઇક કાળે જોવાયેલી પાંચ સાત સેકંડની પેલી આકર્ષક જાહેરાતની ઘરબાયેલી સ્મૃતિઓ એને અનુરૂપ સમયે ડોકાઇને બહાર આવી જ જવાની. 


એકાએક જ મનમાં ઉભરીને જાગૃત થઇ જશે અને મનના કોઇક અગોચર ખૂણે ઘરબાયેલી તે સ્મૃતિઓની પડેલી છાપો મન પાસે નિર્ણય કરાવશે. અને વ્યક્તિ તે જાહેરાત વાળી જ કોલ્ડ ડ્રીંક્સની બોટલ ખરીદી લેશે. આ બધું ક્ષણના અમુક અંશમાં બની જતું હોય છે!!

આમ, મનમાં કઇ પળે શું પેસી જાય અને તે ઘરબાયેલી સ્મૃતિ આપણાં કાર્યોને ક્યારે અને કેવી રીતે દોરવણી આપીને કઇ ઘટના ઘટાવશે; તે એક પ્રક્રીયા છે. આ પ્રક્રીયા, ગુપ્ત અને સુપ્ત છે પણ સમજી શકાય કે કેમ ? ગમે તે હોય પણ-સમજવા જેવી છે !! આ પ્રક્રિયાને સંસ્કરણની પ્રક્રિયા પણ કહેવાય છે. આપણાં સંસ્કારો આવા ઘણાં અવલોકનો પછી પડતા હોય છે-સ્વાભાવિક રીતે જ!!

મનમાં પેસેલો વિચાર ક્યારે અણુબોમ્બ બની જાય અને કાર્યરત થઇ જાય તેની ગતાગમ આપણને જોઇએ એવી પડતી નથી.

આ બાબત ઉપર આપણું નિયંત્રણ જોઇએ એવું હોતું નથી. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આ બધા આપણાં પર કબજો જમાવી બેઠા હોય છે.

આ મત્સર ઉપર આપણો કાબુ હોતો નથી. ભલભલા શાણા અને ડાહ્યા માણસો પણ ખરે વખતે ભૂલ કરી બેસતા હોય છે. 


તેથી વિપરીતઃ- જ્યારે મનમાં સારા વિચારોને પેસવા દીધા હોય તો એ સારા વિચારો પણ જિંદગીના વસમા સમયમાં એ વિચારો જીવવાનું બળ આપે. જીવન જ્યારે કસોટીની એરણ પર ચઢે ત્યારે આપણે આપવાના પ્રત્યાઘાતોને દોરવણી આપતું ભાથું પણ મનમાં અગાઉથી જ જમા થયેલું હોય. જેટલું સારુ ભાથુ હશે તેટલી સ્વાભાવિક્તાથી જ કસોટીના સમયે વરતાઇ જવાશે. માટે જ અનેક ભક્તો કહે છે કે, હૈયે હશે તે હોઠે આવશે અને મહાવરો હશે તો મોંઢે ચઢશે. 


ભજન અને આખ્યાન દ્વારા સંભળાયેલા સદગુણોને ખીલવાનારા શબ્દો મનમાં અજાણતાં જ ઉતરી જતા હોય છે. અલબત્ત ગુપ્ત અને સુપ્ત રીતે જ. અને એ બધું આપણાં કાર્યોને દોરવણી આપી શકે જ છે.  આ કોઇ અંધશ્રધ્ધાની બાબત નથી. આ એક ગુપ્ત અને સુપ્ત મનની પ્રક્રીયા છે. મન દરેક પળે કેળવાતું જ રહે છે.

તે કંઇ નરી આંખે જોઇ શકાય કે, દલીલો દ્વારા તર્કથી તેને પુરવાર કરી શકાય, સાવ એટલી સરળ બાબત આ નથી, - થોડી બારીક બાબત છે. ભજન અને ભક્તિ એમાં ઘણું મદદરૂપ થતું હોય છે. સમૂહમાં રહીને બધાને નિસ્વાર્થ પ્રેમ કેમ કરવો; તે શીખવાનો લાભ ભજનથી મળી શકે છે.


પુનિત મહારાજે તેમના એક ભજનમાં શબ્દો ગૂંથ્યા છેઃકીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળું.

સઘળુ સંભાળતો હો, મારો રણછોડિયો,
ચાલી ચલાવે મને પુનિત પંથમાં,
ચાલી ચલાવે મને ભક્તિના પંથમાં
ભુલ કરુ ત્યારે બુધ્ધિને ફેરવે,
સાથે સાથે ચાલતો હો, મારો રણછોડિયો,
હાથને ઝાલતો હો, મારો રણછોડિયો,
દુઃખોના દરીયે, પુનિત બેટ છે.

બેસી જવનો હો, એક જ આધાર છે.
કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ..
  • પુનિત મહારાજના આ શબ્દો સાવ સરળ છે. દિલમાં ઉતરી જાય તેવા.
  • અનુભવસિધ્ધ બાબતોને કારણે રચાયેલા અને સીધા જ દિલમાંથી નીકળેલા હોવાથી અપનાવવા જેવી સાચી જીવનની ફીલોસોફી તેમાં ભરેલી છે.
  • મને ગમતાં ભજનોમાંનું એક આ ભજન છે. આ ભજન ગવાય ત્યારે, ભજનમાં એક પ્રકારની રમઝટ આવી જતી હોય છે. બધું રણછોડિયાને સોંપીને હળવાફૂલ થઇને નિષ્ઠાપૂર્વક આમ કહી દેવામાં આવે તો, કેટલી મઝા આવે છે!! શબ્દોથી તેનું સંપૂર્ણ નહીં તો થોડું વર્ણન તો થઇ શકે. આ તો અનુભૂતિની વાત છે. 
  • ભજન માણ્યાં પછી આવી અનુભૂતિને શબ્દોનું સ્વરૂપ આપવાનો પ્રયાસ મારા પતિદેવના મિત્ર શ્રી સુરેશભાઇ જાનીએ કર્યો છે. મુરબ્બીશ્રીએ ભજનની મસ્તીની થોડી વાત કરી છે. વાંચોઃhttp://minabenpthakkar.blogspot.com/p/blog-page_02.html  
  • આપ ભજન-આખ્યાનમાં પધારીને અનુભૂત કરી જુઓ
  • કોઇના પણ ભજનમાં જઇને આ અનુભવો દ્વારા મનમાં ચીલા પડવા દેવા જેવા હોય છે.
કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ..

4 comments:

  1. મન દરેક પળે કેળવાતું જ રહે છે.

    ખૂબ સુંદર અભિવ્યક્તિ.અભિનંદન.

    ReplyDelete
  2. આભાર, માર્કંડભાઇ.મુલાકાત લઇ ઉત્સાહ વધારવા બદલ.

    ReplyDelete
  3. આજે પ્રવિણ ભાઈ એ લીંક આપી મારા ફેઈસ બૂક ફ્રેંડ છે ....મુલાકાત લીધી નએ મજા આવી ..પ્રવિણ ભાઈ સાહિત્ય ના રસિયા કવિ અને આપ ગાયિકા કહેવાનુ મન થાય છે'કલાપિ' ના શબ્દો મં ' અહો કેવું સુખી જોડુ કર્તા એ નિરમ્યુ દીસે'

    ReplyDelete
  4. Sunder Pravinbhai..aapnu nimantran svikaary chhe..bhajan sambhlish ne man ne lagaadish..

    ReplyDelete