Monday, June 29, 2015

એક ભજનઃ ઉંચા મહેલો-ઉંચી અટારી..સુદામાની નજરે મિત્ર કૃષ્ણની દ્વારીકા નગરી..


ભજનના શબ્દો આ મુજબ છેઃ

ઉંચા મહેલો, ઉંચી અટારી
ઉંચા મહેલો, ઉંચી અટારી, મણીમંદિરની શોભા સારી,
જુએ સુદામો ધારી ધારી..દ્વારિકા..દ્વારિકા (ર)

સોનાના શીખર ને સોનાની જાળી, સુખડ ઝરૂખાને સુખડની બારી
મોતીડાની સેરો સારી, દિસે છે ઝાકમઝોળ...ઉંચા મહેલો ઉંચી અટારી...

સોનાના મહેલે શામળિયો બિરાજે, દરવાજે એના તો ચોઘડિયા વાગે,
હાથી ઝૂલે દ્વારે દ્વારે... શોભા છે અપરંપાર.. ઉંચા મહેલો ઉંચી અટારી...
સુદામો આવ્યો શ્રી કૃષ્ણના દ્વારે, ઉભો ઉભો એ તો, મનમાં વિચારે
બંસીધર થઇ બેઠો રાજા, હું તો, રહ્યો કંગાળ.. ઉંચા મહેલો ઉંચી અટારી...

ભજનની પૂર્વભૂમિકાઃ-
સુદામા અને શ્રી કૃષ્ણએ બચપણમાં
, સાંદીપની ગુરુના આશ્રમમાં સાથે વિદ્યાભ્યાસ કર્યો હતો. 

જો કે, શ્રી કૃષ્ણનો વિદ્યાભ્યાસનો સમયગાળો માત્ર ૬૪ દિવસનો હતો. આ ૬૪ દિવસમાં ગુરુ શ્રી સાંદીપની ગુરુના આશ્રમમાં શ્રી કૃષ્ણએ ૬૪ કળાઓ શીખી લીધી હતી. 

વિદ્યાભ્યાસ દરમિયાન, એક વખત, ગુરુજીએ સુદામા અને કૃષ્ણને સમિધ+  લેવા માટે મોકલ્યા હતા. સમિધ લેવા જઇ રહેલા આ બે શિષ્યોને ખાવા માટેના ચણા ગુરુમાતાએ સુદામાને સોંપ્યા હતા. સમિધની શોધમાં ગયેલા આ બે શિષ્યો પૈકી શ્રી કૃષ્ણ સમિધની શોધમાં થોડા આગળ નીકળી ગયા અને સુદામા પાછળ રહી ગયા. 
+ (યજ્ઞ પ્રજ્વલિત કરવા માટેના લાકડા)

બંને શિષ્યોના ચણા સુદામા પાસે હતા. સુદામાનું મન ચણામાં લલચાયું. અને શ્રી કૃષ્ણને ખબર ના પડે એમ સુદામાએ લપાઇ-છુપાઇને ચણા ખાવાના શરૂ કર્યા. એટલામાં વરસાદ આવ્યો અને ઠંડા પવન સાથે વરસાદનું ઠંડુ પાણી પડવા માંડ્યું. સુદામા બચપણથી કૃશકાય હતા. સુદામાને ઠંડી લાગવા માંડી. અત્યંત ચતુર એવા શ્રી કૃષ્ણને ખબર પડી ગઇ હતી કે, સુદામાએ ચોરી-છૂપીથી શ્રી કૃષ્ણના ભાગના પણ ચણા ખાવાના શરૂ કરી દીધા હતા. 

મશ્કરા અને મુત્સદી બાળ કૃષ્ણએ પોતાના સખા એવા સુદામાને પુછ્યુ; ‘‘ હેં સુદામા, તારા દાંત અને દાઢી કકળવાનો અવાજ બહુ આવે છે !! તને બહુ ઠંડી ચઢી ગઇ લાગે છે, હેં ને !!’’  સુદામાએ મોંમા ભરેલા ચણા તે જ ક્ષણે ચાવવાના બંધ કરી દીધા અને મિત્ર શ્રી કૃષ્ણને માત્ર હુંકારાથી જ હકારમાં જવાબ આપ્યો.

આમ, ગુરુકુળમાં બીજા શિષ્યના ભાગના ચણા સુદામા ખાઇ ગયા. તેમનું મન ખાવાના પદાર્થમાં જતું રહ્યું. અને બીજાના હક્કનું અને ભાગનું ચોરીથી ખાવાનો અપરાધ બાળકરૂપી સુદામાથી થઇ ગયો. ચોરીથી બીજાનું ખાઇ જવાની લાલચને સુદામા વશ થઇ ગયા. ખાવાની લાલચની સુદામાનું મન વિચલિત થયું અને અપરાધ કરી બેઠા. પણ કર્મ એ તો, કર્મ છે. સુદામાના આ અપરાધથી તેમના ભાગ્યમાં ‘‘ક્ષય શ્રી’’ લખાઇ ગયું. 

ક્ષય થવો એટલેઃ-  

(
૧) ક્ષીણ થવું એ, (૨) ઘસારો, ઘટાડો થવો (૩) નાશ થવો (૪) ચાંદ્રમાસનો ક્ષયા તિથિનો દિવસ. (૫) ફેફસાં કે શરીરનાં બીજાં અંગ સુકાઈને સડી જવાનો રોગ, યક્ષ્મા, ખેનરોગ, ઘાસણી, 'ટ્યુબરક્યુલોસિસ' (ટી.બી.), (૬) અવગતિ; દુર્દશા (૭) અંત કે સમાપ્તિ  થવી(૮) છેડો.ઘસાઈ જવો (૯)  ક્ષીણ થવું અથવા ઘટાડો થવો (૧૦) ચંદ્રની કળા ઓછી થતી જવી ચંદ્રનો અસ્ત થવો તેવો પણ અર્થ થાય.

આમ, સુદામાના જીવનમાં દારુણ ગરીબી લખાઇ ગઇ અને સુદામા તેમના પત્ની અને બાળકો સહિત સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે અત્યંત ગરીબીમાં જ જીવ્યા. 

અસાધારણ ગરીબીથી કંટાળી જવાથી પત્ની સુશીલાએ પતિ સુદામાને કહ્યું કે, તમે કહો છો કે, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને આપ બંને બાળપણના સખા છો તો, શ્રી કૃષ્ણ પાસે જાઓ ને, અને તેમની સમક્ષ ધા નાંખીને આપણી ગરીબી દૂર કરો ને, પતિદેવ.

સુદામા બિલકુલ અ-યાચક હતા. શ્રી કૃષ્ણ પાસે કશું માંગવાની તેમની તૈયારી ન હતી. પરંતુ પત્ની અને બાળકોની દુર્દશા જોઇને છેવટે પત્નીના વારંવારના આગ્રહથી પોરબંદર ખાતેથી સુદામા શ્રી કૃષ્ણને દ્વારકા ખાતે મળવા જવા માટે તૈયાર થયા. પણ સુદામાએ મનોમન નક્કી કરી લીધું કે
, દ્વારકાધીશને મળવા જઇશ પણ તેમની સમક્ષ કોઇ માંગણી કરીશ નહીં.

સુદામા પોરબંદરથી દ્વારકા આવે છે જ્યાં શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારિકા હતી. ગરીબ સુદામા દ્વારિકા પહોંચીને દ્વારિકાની જાહોજલાલી અને સુખાકારી જોઇને અચરજ પામી જાય છે.. તે વખતે સુદામાને કેવી લાગણી થઇ આવી હશે; તેની કલ્પના કરીને રચાયેલી એક રચના..
ભજન-અાખ્યાનના લાઇવ કાર્યક્રમમાંના આ ભજનની રમઝટ માણોઃ- અહીં ક્લીક કરો.ઉંચા મહેલો ઉંચી અટારી..મણી મંદિરની શોભા સારી
  
  

No comments:

Post a Comment